ફૂટપાથ પર સૂતેલાં ભિક્ષુકને હેરાન કરતા હોય આરોપીએ હેરાન ન કરવાનું કહી હુમલો કર્યો
ડરી ગયેલા મિત્રોએ અકસ્માતે ઇજા થયાનું જણાવ્યા બાદ તરુણનું મોત થતાં કહાની વર્ણવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે ગત મોડી રાત્રે બર્થડે સેલિબ્રેશન પછી ચાની હોટલે છરી કાઢી યુવકને છાતીમાં એક ઘા ઝીકી દેતા 17 વર્ષીય યુવકનું સારવારમાં મોત નીપજ્તા બનાવ હત્યામાં પલટાયો હતો ઠક્કરબાપા હરિજન વાસ ખાતે રહેતા તરુણને અકસ્માતે ઇજા થયાનું હોસ્પિટલમાં જણાવ્યા બાદ સારવારમાં દમ તોડી દેતા તેના ઉપર છરીથી હુમલો થયો હોવાની વાત પોલીસ સમક્ષ વર્ણવી હતી હત્યાનો ભોગ બનનાર તરુણ ફૂટપાથ પર સુતેલા ભિક્ષુક જેવા લોકોને હેરાન કરતો હોય જેથી ત્યાં હાજર શખ્સે હેરાન ન કરવાનું કહી ઝઘડો કરી છરીનો ઘા ઝીકી દીધાનું જાણવા મળ્યું છે જુવાનજોધ પુત્રના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
રાજકોટના ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતો અને કપડાના શોરુમમાં નોકરી કરતો ધાર્મિક પ્રકાશભાઈ મકવાણા ઉ.17ને ગઈકાલે મોડી રાત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લોહી લુહાણ હાલતમાં ખસેડાયો હતો જેનું ચાલુ સારવાર દરમ્યાન મોડી રાત્રે જ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીમાં એન્ટ્રી કરાવતા એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતા પીઆઇ બી વી બોરીસાગર સહિતનો કાફલો હોસ્પિટલે દોડી આવ્યો હતો ઉપરાંત ડીસીપી, એસીપી, ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી, એસઓજી સહિતની ટિમો પણ દોડી આવી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે, મૃતક ધાર્મિકના મિત્ર અને તેના જ વિસ્તારમાં રહેતા રાહુલનો જન્મદિવસ હતો જેથી ગઈકાલે રાત્રે 12 વાગ્યે ધાર્મિક, રાહુલ, જયદીપ, યુગ, અંકિત, મયુર સહિતના મિત્રો ઘર પાસે ભેગા થયા હતા બાર વાગ્યે રાહુલના જન્મદિવસની કેક કટીંગ કરીને ઉજવણી કરી હતી બર્થડે સેલિબ્રેશન બાદ બધા મિત્રો નાસ્તો કરવા માટે ત્રિકોણ બાગ જોકર ગાંઠિયા પાસે આવેલી મોમાઈ હોટલ ખાતે ગયા હતા ત્યારે ફૂટપાથ પર સૂતેલા ભિક્ષુક જેવા લોકોને ધાર્મિક હેરાન કરતો હતો જે વાતને લઈ મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી. ગરીબ લોકોને પરેશાન ન કરવા મિત્રોએ ધાર્મિકને સલાહ આપી હતી ત્યાર બાદ આ વાતને લઈ મયુર લઢેર અને ધાર્મિક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. દરમ્યાન અંકિત ત્યાં હજુ ઠક્કરબાપા હરિજન વાસ વિસ્તારમાં જ હોય, તેને યુગે ફોન કરી ધાર્મિક અને મયુરને ઝઘડો ન કરવા સમજાવવા બોલાવ્યો હતો અંકિત અને બીજા મિત્રો રિક્ષામાં આવ્યા હતા જો કે તે પહોંચે તે પૂર્વે મયુરે નેફામાંથી છરી કાઢી ધાર્મિકને છાતીમાં મારી દીધી હતી દરમિયાન ત્યાં પહોંચેલા અંકિતે ધાર્મિકને લોહી લુહાણ જોતા ઘરે વડીલોને જાણ થશે તો ખીજાશે તેવી બીકે ધાર્મિકને સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ અકસ્માત થયાની ખોટી વિગત આપી હતી. પછી ધાર્મિકનું સારવારમાં મોત થતા બધાને હકીકત જણાવી હતી હત્યા નિપજાવી નાસી છૂટેલા મયુર લઢેરને રાત્રે જ પોલીસે ઝડપી લીધો હતો.
હત્યાનો ભોગ બનનાર ધાર્મિકના પિતાનું નામ પ્રકાશભાઈ સુરેશભાઈ મકવાણા છે પ્રકાશભાઈ રાજકોટ મહાનગરપાલિકાના ભૂગર્ભ ગટર વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે ધાર્મિકના માતાનું નામ ઉર્મિલાબેન છે. ધાર્મિકથી નાના ભાઈનું નામ શિવમ છે જેની ઉમર 15 વર્ષ છે ધાર્મિક યાજ્ઞિક રોડ ઉપર આવેલ વાયરસ નામના કપડાના શોરૂમમાં નોકરી કરતો હતો. આશાસ્પદ પુત્રના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો. પ્રકાશભાઈની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકના ભાણેજની ખોટી સ્ટોરીથી રાત્રે પોલીસ ધંધે લાગી
- Advertisement -
ધાર્મિકને હોસ્પિટલ લાવનાર મિત્રો પૈકી અંકિત ધાર્મિકનો કૌટુંબિક ભાણેજ થાય છે. તેણે ડોક્ટરને એવું જણાવ્યું હતું કે, જામનગર રોડ પર બાઈક સ્લીપ થતા ધાર્મિકને છાતીમાં ઈજા થઈ છે. જે અંગે એમએલસી પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીમાં નોંધાઈ હતી જેથી પહેલા ગાંધીગ્રામ પોલીસની ટીમને વર્ધી આપવામાં આવી હતી. દરમ્યાન ધાર્મિકનું મોત નીપજતા ગાંધીગ્રામ પોલીસના હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈએ અંકિતનું નિવેદન લેતા મર્ડરની સ્ટોરી સામે આવી હતી આ બનાવ અંગે પોલીસે અંકિતનું રૂબરૂ નિવેદન લેતા અંકિતએ જણાવ્યું હતું કે, તેણે ડરના કારણે ઈમરજન્સી વિભાગના ડોક્ટરને ખોટી માહિતી આપી હતી



