મીઠાપુર ટાટા કેમિકલ્સનું પ્રદૂષણ મામલે નિરીક્ષણ
સોડા-સિમેન્ટ ઉત્પાદન પ્રક્રિયાનો ઝેરી કચરો દરિયામાં ઠલવાતા સ્થાનિકોની અનેક ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે આવેલી ટાટા કેમિકલ્સ લિમિટેડ દ્વારા સોડા, મીઠું અને સિમેન્ટના ઉત્પાદન દરમિયાન નીકળતા ઝેરી ઘન અને પ્રવાહી કચરાનો નિકાલ સમુદ્રમાં કરવામાં આવતો હોવાની લાંબા સમયની ફરિયાદને પગલે ખળભળાટ મચ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, આ પ્રદૂષણના કારણે આસપાસના ગામો (સૂરજકરાળી, આરંભડા, ભીમરાણા)ના ખેતરો બંજર બની ગયા છે, તળાવો ઝેરી પાણીથી ભરેલા છે અને સમુદ્રી જીવસૃષ્ટિ (મરીન લાઈફ) ને પારાવાર નુકસાન પહોંચ્યું છે.
ફરિયાદી દેવરામ વાલા ચારણની ફરિયાદના અનુસંધાને દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટેની અધ્યક્ષતામાં મામલતદાર, ઝઉઘ, ચીફ ઓફિસર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ફિસરીઝ અધિકારી, ખેતીવાડી અધિકારી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ સહિતની ટીમે ટાટા કેમિકલ્સ મીઠાપુરની મુલાકાત લીધી હતી. ટીમે ફેક્ટરી, દેવપરાનો રહેણાંક વિસ્તાર અને જ્યાં સોલિડ વેસ્ટ સમુદ્રમાં નખાય છે તે સ્થળની મુલાકાત લીધી હતી અને પ્રદૂષણની સ્થિતિ જાણવા માટે અલગ અલગ સેમ્પલિંગ લઈને પંચરોજ કામ કર્યું હતું. કંપની દ્વારા ₹300 થી ₹400 કરોડના ખર્ચે પાડલી ગામ સામે સમુદ્રમાં જેટીનું નિર્માણ કાર્ય શરૂ કરાયું છે, જેથી હવે ઝેરી કેમિકલને પાઇપલાઇન દ્વારા ઊંડા સમુદ્રમાં ઠાલવી શકાય. જોકે, ફરિયાદીઓ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે, ઊંડા સમુદ્રમાં કેમિકલ નાખવાથી શું પ્રદૂષણ નહીં થાય અને જીવસૃષ્ટિને નુકસાન નહીં પહોંચે?
પ્રાંત અધિકારીએ જણાવ્યું કે, સંબંધિત વિભાગને સોંપેલી કામગીરીનો અહેવાલ તૈયાર કરીને જિલ્લા કલેક્ટર અને પ્રદૂષણ વિભાગને મોકલી આપવામાં આવશે. જોકે, સ્થાનિક મેનેજમેન્ટની બેફિકરાઈથી થઈ રહેલા આ નુકસાન સામે હવે કોઈ પ્રજાલક્ષી પગલાં લેવાશે કે નહીં, તે એક મોટો પ્રશ્ન છે.
પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ટીમે ફેક્ટરી અને વેસ્ટ ડમ્પિંગ સ્થળના સેમ્પલ લીધા
- Advertisement -
મુખ્ય ફરિયાદો અને આક્ષેપો
હવાનું પ્રદૂષણ: ફેક્ટરીમાંથી નીકળતા ઝેરી રજકણોથી સુરજકરાળીના ઉદ્યોગનગર, દેવપરા અને આસપાસના વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ.
જમીન અને જળ પ્રદૂષણ: સોલિડ કેમિકલ વેસ્ટના મોટા ડુંગરોથી આસપાસની જમીન બંજર અને જંગલોનો નાશ. પ્રદૂષિત વરસાદી પાણીથી જમીનના જળ સ્તર ખારા થઈ ગયા.
દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન: પ્રવાહી કેમિકલ વેસ્ટના કારણે સમુદ્રનો મોટો ભાગ પ્રદૂષિત થયો છે. માછીમારોનો આક્ષેપ છે કે, પાંચ કિલોમીટર સુધીનો દરિયો બુરાઈ ગયો છે અને કાંઠાથી 3-4 કિલોમીટર સુધી ડોલ્ફિન, શાર્ક, સમુદ્રી કાચબા સહિતની મરીન લાઈફ જોવા મળતી નથી, જેનાથી સેંકડો કુટુંબોની રોજીરોટી છીનવાઈ ગઈ છે.



