8મા પગારપંચના અમલીકરણની તારીખ: કેન્દ્રએ પુષ્ટિ કરી છે કે 50 લાખથી વધુ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરો 8મા કેન્દ્રીય પગાર પંચ હેઠળ આવશે, પરંતુ તેના અમલીકરણ અને ભંડોળ અંગેના નિર્ણયો પછીથી લેવામાં આવશે, નાણા મંત્રાલયે લોકસભાને જણાવ્યું હતું.
8મા પગાર પંચની ભલામણો આવવામાં હવે માત્ર 17 મહિનાનો સમય રહ્યો છે. તે પહેલા કેન્દ્ર સરકારે સોમવારે ફરી એકવાર કમિશનની શરતો અંગે ચાલી રહેલી અટકળો પર વિરામ લગાવતા સ્પષ્ટ જાણકારી આપી છે. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં 8મા પગાર પંચ અંગે સ્પષ્ટ માહિતી આપી છે. તેમણે કમિશનની ભલામણોના અમલીકરણ માટે ફંડની વ્યવસ્થા અંગે પણ જવાબ આપ્યો.
- Advertisement -
સંસદમાં ચર્ચા દરમિયાન નાણા રાજ્યમંત્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓની વર્તમાન સંખ્યા લગભગ 50.14 લાખ છે, જ્યારે લગભગ 69 લાખ પેન્શનરો પણ છે. આઠમું પગાર પંચ લાગુ થયા આ તમામને લાભ આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ લેખિત જવાબમાં 8મા પગાર પંચના ટર્મ ઓફ રેફરન્સ અને તેના અમલીકરણની તારીખ જેવા સવાલોના પણ જવાબ આપ્યા. તેમને પૂછવામાં આવ્યું કે, નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં 8મા પગાર પંચ માટે ફંડ ફાળવણી માટે શું યોજના છે. શું સરકાર પેન્શનરો અને કર્મચારીઓની ફરિયાદોનું નિરાકરણ લાવશે?
ક્યારે લાગુ થશે આઠમું પગાર પંચ?
જ્યારથી 8મા પગાર પંચની જાહેરાત થઈ છે, ત્યારથી બધા કર્મચારીઓ અને પેન્શનરોમાં સૌથી મોટો સવાલ એ જ હતો કે તે ક્યારથી લાગુ થશે. કેન્દ્રીય મંત્રીએ સંસદમાં આ સવાલનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, કમિશનની ભલામણો લાગુ કરવાની તારીખ બાદમાં જાહેર કરવામાં આવશે. હાલમાં કમિશને તેની રચનાના 18 મહિનાની અંદર તેની ભલામણો કોઈ પણ સંજોગોમાં સબમિટ કરવી પડશે. 7મા પગાર પંચની મુદત 31 ડિસેમ્બર, 2025ના રોજ સમાપ્ત થઈ જશે, પરંતુ 8મા પગાર પંચના લાગુ થવાની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
- Advertisement -
કેન્દ્ર સરકારે ટર્મ ઓફ રેફરન્સને મંજૂરી આપી
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, કમિશનની ભલામણોને લાગુ કરવા માટે જરૂરી ફંડ પર સમયસર નિર્ણય કરવામાં આવશે. તેના માટે પૂર્વ-નિર્ધારિત પ્રક્રિયાનું પણ પાલન કરવામાં આવશે. 41 દિવસ પહેલા 8મા પગાર પંચની રચના થઈ ત્યારથી, ઘણા પગલાં લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે તેના ટર્મ ઓફ રેફરન્સને મંજૂરી આપી દીધી છે, જેની ગેઝેટ નોટિફિકેશન પણ 3 નવેમ્બર, 2025ના રોજ જારી કરવામાં આવી ચૂકી છે.
કમિશનની સામે ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર કરવાનો પણ પડકાર
પગાર પંચ મૂળભૂત પગાર માળખા, પેન્શન, ભથ્થાં અને અન્ય સુવિધાઓના આધારે પોતાની ભલામણો તૈયાર કરશે. તેનો ઉદ્દેશ્ય કર્મચારીઓ અને પેન્શનરોને વાજબી ચુકવણી અપાવવાનો છે. કમિશનની સામે ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર કરવાનો પણ પડકાર છે, જેના આધારે કર્મચારીઓના પગારમાં પણ ફેરફાર થશે. સરકારે કમિશનની રચના પછી ઘણા પગલાં લીધાં છે જેની સીધી અસર કર્મચારીઓના પગાર અને પેન્શન પર પડશે.




