સરકાર વિકાસ ભી વિરાસત ભીના મંત્ર સાથે યાત્રાધામોનો વિકાસ કરે છે, તો રૂક્ષ્મણી મંદિરને અન્યાય શા માટે ?
વર્ષે રૂ.12 કરોડની આવક છતાં સુવિધા અપૂરતી : જવાબદાર કોણ? ટ્રસ્ટ કે તંત્ર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
રૂક્મિણી દેવી મંદિર, જે દ્વારકાધીશ મંદિરથી ફક્ત 2 કિલોમીટર દૂર છે. ધાર્મિક પુરાણોના અનુસારો, મંદિરની શરૂઆત 2,500 વર્ષ પહેલાંની હોઈ શકે છે. હાલનો મંદિર 12મી સદીનો હોવાનું માનવામાં આવે છે. મંદિરની બાહ્ય દિવાલો, શિલ્પ અને ગર્ભગૃહમાં રુક્મિણી માતાની મૂર્તિ છે. મંદિરની ખાસ શિલ્પકલા તેને ઐતિહાસિક અને ધાર્મિક રીતે ખાસ બનાવે છે. મંદિરમાં દરરોજ ધર્મભાવ અને પૂજા-અર્ચના સાથે ભક્તો, સ્થાનિકો અને પ્રવાસીઓની સંખ્યા વધતી જાય છે, પરંતુ જરૂરી સુવિધાઓથી આ મંદિર વંચિત છે.
પવિત્ર યાત્રાધામ દ્વારકા જ્યાં જગતના ઈતિહાસને પોતાના હ્રદયમાં સમેટી ઉભેલાં અનેક દેવસ્થાનોની વચ્ચે, ભગવાન શ્રીકૃષ્ણની મુખ્ય પટરાણી રૂક્ષ્મણી દેવીનું ઐતિહાસિક મંદિર આજે પણ વિકાસથી વંચિત રહી રહ્યું છે. ભક્તિજન્ય પ્રસિદ્ધિ હોવા છતાં વર્ષોથી અટકેલા વિકાસકાર્યે અનેક સવાલો ઉભા કર્યા છે.
ત્રણ વર્ષ માટે 12 કરોડ રૂપિયાનો ઈજારો લઈને મંદિરનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. એટલે કે, દર વર્ષે 12 કરોડ રૂપિયાની આવક ભક્તોની પૂજા, ચઢાવો, દાન અને સેવાઓ પરથી પ્રાપ્ત થવાની ધારણા રાખવામાં આવી છે. પરંતુ જેટલી આવકનો અંદાજ છે, એટલો વિકાસ આંખે દેખાતો નથી. ભક્તોની અનેક ફરિયાદો છે જેમાં આસપાસના વિસ્તારની અસરકારક સફાઈનો અભાવ, બેસવાની સુવિધા, લાઇટિંગ, પીવાનું પાણી જેવી મૂળભૂત સુવિધાઓ નથી, પાર્કિંગ, વોશરૂમનો અભાવ તેમજ ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થામાં ખામીઓ જોવા મળે છે.
આ ઉપરાંત હેરીટેજ સંરક્ષણ માટે કોઈ વિશેષ પગલાં લેવામાં આવ્યા નથી. આમ કહી શકાય કે ભક્તોની શ્રધ્ધા અને આસ્થામાં તો વૃદ્ધિ થઈ છે, પરંતુ મંદિરના વિકાસમાં નહીં. સ્થાનિકો અને ભક્તોએ પૈસા ક્યાં જાય છે? એવા અનેક સવાલો પણ ઉઠાવ્યા છે. એક બાજુ સરકાર વિકાસ ભી વિરાસત ભીના મંત્ર સાથે યાત્રાધામોનો સર્વાંગી વિકાસ કરી રહી છે, તો બીજી બાજુ રૂક્ષ્મણી દેવી મંદિરનું વિકાસ કામ ક્યારે ?
સ્થાનિક ભક્તો, વ્યવસાયિકો અને પ્રવાસીઓ સૌની માંગ માત્ર એટલી કે પવિત્ર સ્થાનને પૂરતી વ્યવસ્થા પણ મળે. રૂક્ષ્મણી દેવી મંદિર માત્ર દ્વારકાનું નહિ, પરંતુ સમગ્ર હિંદુ સમાજનું શ્રદ્ધાસ્થાન છે.
વર્ષે 12 કરોડ રૂપિયાની આવક સામે જોવામાં આવે તો વિકાસ આંખે વળગે તેવો હોવો જોઈએ. તંત્ર અને ટ્રસ્ટ એકબીજાની જવાબદારી ટાળવામાં વ્યસ્ત છે જયારે મંદિરમાં કોઇ વિકાસકામ થતા નથી.
રૂક્મિણી દેવી મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી તે ભારતની પ્રાચીન ધાર્મિક સંસ્કૃતિ, કળા અને ઐતિહાસિક વાસ્તુ-શાસ્ત્રનું અનોખુ ઉદાહરણ છે. આજે જ્યારે દિનપ્રતિદિન ભક્તોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે રૂક્ષ્મણી દેવીના મંદિરનું સંચાલન માત્ર પૂજા-પારંપરિકતા સુધી મર્યાદિત ન હોવું જોઈએ. તેમાં વિકાસ કાર્ય પણ જરૂરી છે.
મંદિરના વિકાસથી વંચિત રહેલા મુદ્દાઓ
યોગ્ય સફાઈ વ્યવસ્થાનો અભાવ
લાઇટિંગ, બેઠક, પાણી, વોશરુમ જેવી મૂળભૂત સુવિધાઓ જ નથી
પાર્કિંગ, પૂરતી માહિતી, અને સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે ભક્તો અને પ્રવાસીઓ પર અસુવિધા.
ઐતિહાસિક હેરીટેજ તથા મરામત માટે કોઈ જવાબદારી દેખાતી નથી.



