પ્રમુખપદે સુરેશ ફળદુ સહિતના ઉમેદવારો 12:39 કલાકે ફોર્મ ભરશે: 700થી વધુ ધારાશાસ્ત્રીઓના ટેકા સાથે જીતનો દાવો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ બાર એસોસિયેશન (છઇઅ)ની વર્ષ 2025-26ની તા. 19/12/2025ના રોજ યોજાનારી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (ઇઉંઙ)ના લીગલ સેલ સમર્થિત “લીગલ સેલ સમરસ પેનલ” દ્વારા ગુરુવારે, તા. 04/12/2025ના રોજ, ઉમેદવારી નોંધાવવામાં આવશે. પ્રમુખપદના ઉમેદવાર સુરેશભાઈ ફળદુના નેજા હેઠળની આખી પેનલ સિનિયર અને જુનિયર ધારાશાસ્ત્રીઓ તથા ટેકેદારોની વિશાળ સંખ્યામાં રેલી સ્વરૂપે એકઠા થઈને ઉમેદવારી ફોર્મ જમા કરાવશે. આ પેનલ ગુરુવારે બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં રાજકોટ બાર એસોસિયેશનના ચૂંટણી કમિશનર સમક્ષ ભવ્ય અને શિસ્તબદ્ધ રીતે ઉમેદવારી નોંધાવવા જશે. સિનિયર ધારાશાસ્ત્રીઓના આશીર્વાદ મેળવીને પેનલના તમામ ઉમેદવારો ગુરુવારે એકસાથે ફોર્મ ભરશે.
’લીગલ સેલ સમરસ પેનલ’ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોમાં પ્રમુખ પદે સુરેશ આર. ફળદુ, ઉપપ્રમુખ પદે સિધ્ધરાજસિંહ કે. જાડેજા, સેક્રેટરી પદે મેહુલ વી. મેહતા, જોઈન્ટ સેક્રેટરી પદે સંદિપ વેકરીયા, ટ્રેઝરર પદે રેખાબેન લીંબાસીયા, અને લાઈબ્રેરી સેક્રેટરી પદે સાગર હપાણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કારોબારી સભ્ય પદ માટે અમિત વેકરીયા, કશ્યપ ઠાકર, દિપ વ્યાસ, જતીન ઠકકર, યશ ચોલેરા, કેતન જેઠવા, રણજીત મકવાણા, તેમજ મહિલા અનામત માટે હીરલબેન જોષી, મીતાબેન રાવ અને અલ્કાબેન પંડયા પણ ઉમેદવારી નોંધાવશે.
ગત તા. 29/11/2025ના રોજ ટોગર રોડ પર વિરાણી હાઈસ્કૂલ ખાતે આ પેનલના મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું,
જેમાં રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા અને ધારાસભ્ય દર્શિતાબેન શાહ પ્રત્યક્ષ હાજર રહ્યા હતા. લગ્નગાળાની સીઝન હોવા છતાં, આ ઓપનિંગમાં 700થી વધુ ધારાશાસ્ત્રીઓએ હાજર રહીને સમરસ પેનલને પેનલ-ટુ-પેનલ મત આપી જંગી બહુમતીથી જીતાડવાનો કોલ આપ્યો હતો, જેણે પેનલની જીત નિશ્ચિત હોવાના સંકેત આપ્યા છે. ગુરુવારે ઉમેદવારી નોંધાવતી વખતે સિનિયર ધારાશાસ્ત્રીઓ લલિતસિંહ જે. શાહી, ગીરીશભાઈ ભટ્ટ, રામજીભાઈ માવાણી, રંજનબેન રાણા, લતાબેન જોષી સહિત અનેક સિનિયર અને જુનિયર ધારાશાસ્ત્રીઓ હાજર રહીને પેનલને શુભેચ્છાઓ પાઠવશે.



