તાજેતરમાં દક્ષિણ આફ્રિકા ‘A’ પ્રવાસ માટેની ટીમમાં અવગણના થવાને કારણે ચર્ચામાં રહેલા મુંબઈના બેટ્સમેન સરફરાઝ ખાને હવે IPLની મિની-હરાજી પહેલાં તમામ ફ્રેન્ચાઇઝીઓને પોતાના બેટથી જડબાતોડ જવાબ આપ્યો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં લખનઉ ખાતે આસામ સામેની મેચમાં, સરફરાઝ ખાને પોતાની T20 કારકિર્દીની પ્રથમ સદી ફટકારીને સૌને ચોંકાવી દીધા છે.

- Advertisement -
IPL ઓક્શન પહેલાં શાનદાર સદી
સરફરાઝે 11 વર્ષ અને 97 T20 મેચોની લાંબી રાહનો અંત લાવતા પોતાની પ્રથમ T20 સદી ફટકારી છે. આ સદી એ વાતનો પુરાવો છે કે તે માત્ર ટેસ્ટ ક્રિકેટ જ નહીં, પરંતુ ટૂંકા ફોર્મેટમાં પણ તોફાની બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. IPLની મિની-હરાજીના ગણતરીના દિવસો પહેલાં આવેલી આ સદીએ ફ્રેન્ચાઇઝી ટીમોનું ધ્યાન ચોક્કસપણે ખેંચ્યું હશે. આસામ સામેની મેચમાં મુંબઈએ 20 ઓવરમાં 4 વિકેટે 220 રન બનાવ્યા હતા.
47 બોલમાં સદી…
- Advertisement -
સરફરાઝે માત્ર 47 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી અણનમ 100 રન ફટકાર્યા હતા. તેની સાથે અજિંક્ય રહાણેએ 42 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. આ પ્રદર્શન બાદ, જે સરફરાઝ છેલ્લા બે વર્ષથી IPLમાં વેચાયો ન હતો, તેના પર હવે ફ્રેન્ચાઇઝીઓ ગંભીરતાથી બોલી લગાવી શકે છે.
સૂર્યકુમાર યાદવ નિષ્ફળ, સરફરાઝ ચમક્યો
આ જ મેચમાં ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફરી એકવાર નિષ્ફળ રહ્યા હતા. દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલાં ફોર્મ શોધી રહેલો સૂર્યકુમાર માત્ર 12 બોલમાં 20 રન બનાવીને આઉટ થઈ ગયો હતો અને બીજા છેડે સરફરાઝના બેટમાંથી નીકળતા રન-વરસાદને જોતો રહ્યો હતો.




