ડિસેમ્બર મહિનાની શરૂઆતની સાથે જ આજથી (1 ડિસેમ્બર) અનેક મહત્ત્વના નિયમોમાં ફેરફાર લાગુ કરવામાં આવ્યા છે, જે સીધા સામાન્ય જનજીવનને અસર કરશે. જેમાં LPG સિલિન્ડરની કિંમતો, પેટ્રોલ-ડીઝલ અને ATFના નવા રેટ જાહેર થયા છે.
સરકારી કર્મચારીઓ માટે હવે પેન્શન સ્કીમમાં ફેરફાર કરવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે. તેમજ ઓનલાઈન બેન્કિંગના નિયમોમાં પણ કેટલાક ફેરફારો થયા છે. UIDAIએ આધાર કાર્ડ અપડેશનની પ્રક્રિયા સરળ બનાવી છે અને નવા આધાર માટે માન્ય ડોક્યુમેન્ટની યાદી પણ અપડેટ કરી છે.
- Advertisement -
આધાર અપડેશન હવે સરળ
આજથી આધાર કાર્ડને લગતા નિયમો સરળ બન્યા છે. UIDAI દ્વારા નામ, સરનામું કે જન્મ તારીખ જેવી વિગતો ઓનલાઈન અપડેટ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બની છે. હવે ડેટાનું વેરિફિકેશન પાન કાર્ડ કે પાસપોર્ટ જેવા સરકારી દસ્તાવેજો સાથે સીધું થઈ શકશે. તમે તમારો મોબાઈલ નંબર પણ ઓનલાઈન અપડેટ કરી શકશો. આ માટે UIDAIએ નવી આધાર એપ લોન્ચ કરી છે અને માન્ય દસ્તાવેજોની નવી યાદી પણ જાહેર કરી છે.
પેન્શનના નિયમો બદલાયા
- Advertisement -
સરકારી કર્મચારીઓ માટે એક મોટી ખબર એ છે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ(UPS)માં રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 30 નવેમ્બર હતી, જે હવે પૂરી થઈ ગઈ છે. તેથી, કર્મચારીઓ હવે નેશનલ પેન્શન સિસ્ટમ(NPS)માંથી UPS સ્કીમમાં સ્વિચ નહીં કરી શકે.
જે સરકારી કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે, તેમને પેન્શન સતત ચાલુ રાખવા માટે લાઇફ સર્ટિફિકેટ(જીવન પ્રમાણપત્ર) જમા કરાવવું જરૂરી છે. તેને જમા કરાવવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર નક્કી કરવામાં આવી હતી. અત્યાર સુધીની માહિતી અનુસાર, તેની ડેડલાઇન લંબાવવામાં આવી નથી. આ સંજોગોમાં, જે પેન્શનરોએ સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું તેમનું પેન્શન અટકી શકે છે. જોકે, એવી આશા રાખવામાં આવી રહી છે કે તેની સમયમર્યાદા લંબાવવામાં આવશે.
LPG સિલિન્ડર થયુ સસ્તું
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG ગેસ સિલિન્ડરની કિંમતો જાહેર કરે છે. ક્યારેક કિંમતો યથાવત રહે છે તો ક્યારેક અપડેટ થાય છે. 1 ડિસેમ્બરે ઓઈલ કંપનીઓએ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોમાં તો કોઈ ફેરફાર નથી કર્યો, પરંતુ 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹10નો ઘટાડો કર્યો છે.
ઓનલાઈન બેન્કિંગના નિયમોમાં ફેરફાર
આજથી કેટલીક બેન્ક અને નાણાકીય કંપનીઓ દ્વારા ઓનલાઈન બેન્કિંગ, UPI, તેમજ ક્રેડિટ-ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પરના ચાર્જ અને સુરક્ષા સેટિંગ્સમાં ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે. ગ્રાહકોએ તેમની બેન્કિંગ એપ્સની નોટિફિકેશન પર ધ્યાન આપવું જરૂરી છે.
ATFના ભાવ બદલાશે
દર મહિનાની પહેલી તારીખે ઓઇલ કંપનીઓ LPG સિલિન્ડરના ભાવ અપડેટ કરવાની સાથે સાથે એર ટર્બાઇન ફ્યુઅલ(ATF) એટલે કે હવાઈ ઈંધણના નવા રેટ પણ જાહેર કરે છે. તેથી, 1લી ડિસેમ્બર, 2025ના રોજ પણ ATFના ભાવોમાં ફેરફાર થવાની સંભાવના છે, જેની સીધી અસર વિમાન યાત્રીઓના ખર્ચ પર પડશે. આ દિવસે કંપનીઓ CNG અને PNGના રેટમાં પણ ફેરફારની જાહેરાત કરી શકે છે.
ટેક્સ સાથે જોડાયેલા નિયમો
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, 30 નવેમ્બર એવા કરદાતાઓ માટે પણ મહત્ત્વપૂર્ણ છે જેમણે ઑક્ટોબર મહિનામાં કોઈ પણ વધુ મૂલ્યના વ્યવહાર પર TDS(ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) કાપ્યો હોય. આ કરદાતાઓએ નીચે આપેલા સેક્શનો (ધારાઓ) હેઠળ TDSનું સ્ટેટમેન્ટ જમા કરાવવું જરૂરી છે
194-IA
194-IB
194M
194S
જો સમયમર્યાદા ચૂકી જવાય તો દંડ થઈ શકે છે અથવા આવકવેરા વિભાગ તરફથી નોટિસ પણ જાહેર થઈ શકે છે.




