વિભાગના નિરીક્ષક જનાબ અલીએ જણાવ્યું હતું કે 15 નવેમ્બરે 26 કંપનીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તે સમયે 12 શંકાસ્પદ કંપનીઓ પણ મળી આવી હતી.
મધ્ય પ્રદેશમાં તાજેતરમાં કફ સિરપ પીવાથી થયેલા બાળકોના મોતની ગંભીર નોંધ લેતા કેન્દ્ર સરકારે એક મોટો અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી દેશભરના દવા વિક્રેતાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન (ચિઠ્ઠી) વગર કફ સિરપનું વેચાણ કરી શકશે નહીં. સરકારની સર્વોચ્ચ નિયામક સંસ્થા, ઔષધ પરામર્શ સમિતિએ પોતાની 67મી બેઠકમાં કફ સિરપના અનિયંત્રિત વેચાણ પર રોક લગાવવાના આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે.
- Advertisement -
અત્યાર સુધી સરળતાથી મળતા હતા પણ હવે નહીં
અત્યાર સુધી મોટાભાગના કફ સિરપ ‘ઓવર ધ કાઉન્ટર’ (પ્રિસ્ક્રિપ્શન વિના) સરળતાથી મળી જતા હતા, પરંતુ હવે આ નવા નિયમથી તેના પર લગામ લાગશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લોકો સીધા મેડિકલ સ્ટોર પરથી દવા ખરીદવાને બદલે ડોક્ટરની સલાહ અને પ્રિસ્ક્રિપ્શનના આધારે જ દવાઓ લે.
સરકારે શા માટે આ કડક પગલું ભર્યું?
- Advertisement -
ઘરેલુ કારણ: તાજેતરમાં મધ્ય પ્રદેશના છિંદવાડા અને આસપાસના જિલ્લાઓમાં ‘કોલ્ડ્રિફ’ નામની કફ સિરપ પીધા બાદ કિડની ફેલ થવાથી ઓછામાં ઓછા 24 બાળકોના મોત થયા હતા. આ સિવાય રાજસ્થાન અને ગુજરાત જેવા અન્ય રાજ્યોમાં પણ આવા જ મામલા સામે આવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય છબી: ભારતની બહાર પણ ભારતમાં બનેલી કફ સિરપ પીવાથી બાળકોના મોતની ઘટનાઓ બની હતી, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની “વિશ્વની ફાર્મસી” તરીકેની છબી ખરડાઈ રહી હતી. ખાસ કરીને ઉઝબેકિસ્તાનમાં ભારતીય કફ સિરપ પીવાથી 68 બાળકોના મોત થયા હતા, જ્યારે ઇન્ડોનેશિયામાં 2022-23 દરમિયાન 200થી વધુ બાળકો મૃત્યુ પામ્યા હતા. ગામ્બિયામાં પણ આવી જ ઘટનાઓ નોંધાઈ હતી.
આ નિર્ણયનો એક ફાયદો એ પણ છે કે કફ સિરપનો નશા માટે થતા દુરુપયોગ પર રોક લાગશે. આ ઉપરાંત, ડોક્ટરની સલાહ વિના લોકો ઘણીવાર બિનજરૂરી રીતે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરે છે, જેના કારણે શરીરમાં એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ (દવાઓની અસર ન થવી) જેવી ગંભીર સમસ્યાઓ ઉભી થાય છે. આ નવા નિયમથી તેના પર પણ નિયંત્રણ આવશે.
ઉલ્લેખનીય છે કે આ ઘટનાઓ બાદ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ભારતમાં બનેલી ત્રણ ભેળસેળવાળી દવાઓની ઓળખ કરી હતી, જેમાં શ્રીસન ફાર્માસ્યુટિકલ્સની ‘કોલ્ડ્રિફ’, રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સની ‘રેસ્પિફ્રેશ ટીઆર’ અને શેપ ફાર્માની ‘રીલાઇફ’નો સમાવેશ થતો હતો.



