યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓગસ્ટના અંતમાં ભારતીય સામાન પર 50% ટેરિફ લાદ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આગામી સપ્તાહના ભારત પ્રવાસ પહેલાં ભારતે અમેરિકા સાથે એક મહત્ત્વપૂર્ણ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારતીય નૌસેનાના 24 સી-હોક હેલિકોપ્ટર કાફલા માટે 5 વર્ષના ‘ફોલો-ઓન સપોર્ટ’ એટલે કે સતત સમર્થનના હેતુથી, આશરે ₹8000 કરોડની આ મોટી ડીલ અમેરિકા સાથે કરવામાં આવી છે. આ કરાર એવા સમયે થયો છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઑગસ્ટમાં ભારતીય વસ્તુઓ પર કુલ 50 ટકાનો ટેરિફ લગાવ્યા બાદ બંને દેશોના સંબંધોમાં થોડો તણાવ જોવા રહ્યો છે.
- Advertisement -
₹7995 કરોડના LOAs પર હસ્તાક્ષર
સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી કે MH-60R હેલિકોપ્ટર કાફલાના સંબંધમાં અમેરિકા સાથે ₹7995 કરોડના પ્રસ્તાવ અને સ્વીકૃતિ પત્ર(LOAs) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લોકહીડ માર્ટિન કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલા આ MH-60R સી-હોક હેલિકોપ્ટર્સ, જે બ્લેકહૉક હેલિકોપ્ટરનું દરિયાઈ વેરિઅન્ટ છે, તે તમામ હવામાનમાં ઉપયોગમાં લેવા માટે અસરકારક છે. ભારતે લગભગ 5 વર્ષ પહેલાં, ફેબ્રુઆરી 2020માં, 24 MH-60R હેલિકોપ્ટરની ખરીદી માટે અમેરિકા સાથે કરાર કર્યો હતો અને તેની પ્રથમ 3 યુનિટની ખેપ 2021માં ભારતને મળી હતી.
‘ફોલો-ઓન સપોર્ટ’ એક વ્યાપક પેકેજ
- Advertisement -
સંરક્ષણ મંત્રાલયના નિવેદન અનુસાર, આ ‘ફોલો-ઓન સપોર્ટ’ પેકેજ ખૂબ જ વ્યાપક છે, જેમાં સ્પેરપાર્ટ્સ, સહાયક ઉપકરણો, ઉત્પાદન સમર્થન, તાલીમ અને ટેકનિકલ સહાયતા સહિતની અનેક જોગવાઈઓનો સમાવેશ થાય છે. મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું કે, આ સુવિધાઓના વિકાસને કારણે દેશમાં લાંબા સમય માટે કેપેબીલીટીનું નિર્માણ થશે અને અમેરિકન સરકાર પરની નિર્ભરતા ઘટશે, જે આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં મદદ કરશે.
MSME અને ભારતીય કંપનીઓને પ્રોત્સાહન
આ કરારને કારણે MSME (મિનિસ્ટ્રી ઑફ માઇક્રો, સ્મોલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ) અને અન્ય ભારતીય કંપનીઓ દ્વારા સ્વદેશી ઉત્પાદનો અને સેવાઓના વિકાસને પ્રોત્સાહન મળશે. આ સતત સમર્થનથી MH-60R હેલિકોપ્ટરોની ઓપરેશનલ ઉપલબ્ધતા અને જાળવણીમાં સુધારો થશે, જે તેમની મહત્ત્વપૂર્ણ એન્ટી-સબમરીન વૉરફેર ક્ષમતાને વધુ મજબૂત કરશે.




