ફાયર વિભાગ પાસે માત્ર એક જ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ, બીજી જૂનાગઢ રિપેરિંગમાં; ક્ધડમ હાલતમાં 16 વર્ષ જૂની શબવાહિની
ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ
- Advertisement -
ગોંડલ શહેર અને તાલુકાની જનતા માટે નગરપાલિકાનું ફાયર વિભાગ ’રામભરોસે’ ચાલી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. કોઈ મોટો અકસ્માત કે હોનારત સર્જાય ત્યારે ફાયર વિભાગ પાસે એમ્બ્યુલન્સની કાયમી અછત વર્તાઈ રહી છે. તાજેતરમાં એક અકસ્માતના ઇજાગ્રસ્તોને અન્યત્ર ખસેડવાની જરૂરિયાત ઊભી થતાં નગરપાલિકાના ફાયર વિભાગમાં એમ્બ્યુલન્સ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે ફાયર વિભાગે વારંવાર “એમ્બ્યુલન્સ રિપેરિંગમાં છે” અથવા “એમ્બ્યુલન્સ નથી” તેવો જવાબ આપી હાથ ખંખેરી લીધા હતા. એક ચોંકાવનારી હકીકત તપાસમાં સામે આવી કે, જ્યારે દર્દીને એમ્બ્યુલન્સની જરૂર હતી, ત્યારે તે એમ્બ્યુલન્સ સાંગણવા ગામે ફાયર જવાનોને તેડવા-મૂકવા (સ્ટાફ ડ્યુટી) માટે પહોંચી હતી, એટલે કે તેનો ઉપયોગ સ્ટાફના ટ્રાન્સપોર્ટેશન માટે કરાયો હતો. આ મામલે ફાયર ઓફિસરનો સંપર્ક કરતા તેમણે સ્વીકાર્યું હતું કે, વિભાગ પાસે કુલ 2 એમ્બ્યુલન્સ અને 1 શબવાહિની છે. જેમાં એક એમ્બ્યુલન્સ જૂનાગઢ ખાતે રિપેરિંગમાં છે, અને સ્ટેશનની પાછળ પડેલી 16-17 વર્ષ જૂની શબવાહિની ક્ધડમ (ભંગાર) હાલતમાં છે.
ગોંડલની જનતામાં સવાલ ઉઠી રહ્યો છે કે, જો ગોંડલમાં કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? તંત્ર તાત્કાલિક નવી સુવિધા ઊભી કરે તેવી માંગ ઉઠી છે.



