આ અઠવાડિયે, બિડિંગ માટેના તમામ નંબરો પૈકી, નોંધણી નંબર ‘HR88B8888’ને સૌથી વધુ અરજીઓ મળી – કુલ 45.
હરિયાણાના સોનીપતમાં ફોર વ્હીલર વાહનોના વીઆઇપી રજિસ્ટ્રેશન નંબરની ઓનલાઈન હરાજીએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. આ હરાજી દરમિયાન, જિલ્લાના કુંડલી કસ્બાના ફેન્સી નંબર ‘HR88B8888’ને રૂ. 1 કરોડ 17 લાખની અભૂતપૂર્વ બોલી મળી છે, જેણે અગાઉના તમામ રેકોર્ડ તોડ્યા છે. આ બોલીને કારણે, આ નંબર દેશનો અત્યાર સુધીનો સૌથી મોંઘો વીઆઇપી નંબર બની શકે છે તેવું માનવામાં આવે છે.
- Advertisement -
બોલી પ્રક્રિયા રૂ. 1.17 કરોડ પર સમાપ્ત
મળતી માહિતી મુજબ, બોલી લગાવવાની પ્રક્રિયા મંગળવારે સાંજે 5 વાગ્યે સમાપ્ત થઈ હતી. આ સમય સુધીમાં, આ ખાસ નંબરની કિંમત રૂ. 1.17 કરોડ સુધી પહોંચી ગઈ હતી. હરાજી કરતા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નંબર હજી ખરીદાયો નથી. બોલી લગાવનાર વ્યક્તિએ આ નંબરને બ્લોક કરાવવા માટે, આગામી 5 દિવસની અંદર આખી રકમ જમા કરાવવી પડશે.
આ ફેન્સી નંબર સોનીપતના કુંડલી સાથે જોડાયેલો
- Advertisement -
આ ફેન્સી વીઆઇપી નંબર સોનીપતનાં કુંડલી વિસ્તાર સાથે જોડાયેલો છે. આથી, નંબર બ્લોક કરાવ્યા પછી વાહનનું રજિસ્ટ્રેશન પણ આ જ વિસ્તારમાં કરવું પડશે. આ નંબર સીરિઝમાં ચાર વખત ‘8’ નો સમાવેશ થતો હોવાથી તે ઘણો ખાસ ગણાય છે. તેથી જ, ‘8888’ સીરિઝની માંગણી નંબર પસંદ કરનારા લોકોમાં હંમેશા ઊંચી રહે છે.
બોલી લગાવનારની ઓળખ ગુપ્ત
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, બોલી લગાવનારની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. નિયમો અનુસાર, ઔપચારિક પ્રક્રિયા બોલી સમાપ્ત થયા પછી જ શરૂ કરી શકાય છે. જો બોલી લગાવનાર વ્યક્તિ નિર્ધારિત રકમ જમા નહીં કરાવે, તો આ નંબર ફરીથી હરાજી માટે ઉપલબ્ધ બની શકે છે.
નંબર બજારમાં વધતો ક્રેઝ
વાહન માલિકોમાં આકર્ષક અને ફેન્સી નંબરો પ્રત્યેનું આકર્ષણ સતત વધી રહ્યું છે. ‘0001’, ‘9999’, ‘7777’, અને ‘8888’ જેવી સીરિઝ સૌથી વધુ પસંદ કરવામાં આવતી હોય છે. નિષ્ણાતોના મતે, આ નંબરોને શુભ માનતા ખરીદારો મોટી કિંમત ચૂકવવાથી પણ સહેજ પણ ખચકાતા નથી.




