પોરબંદર પ્રવાસનનો સોનેરી યુગ નજીક.. સ્પેનિશ નિષ્ણાતોના માર્ગદર્શનમાં પોરબંદર ટુરિઝમની નવું બ્લુપ્રિન્ટ તૈયાર (વાત પોરબંદરની – ઓમ જોષી)
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ, દરિયાની નભ જેવી શાંતિ ધરાવતું શહેર અને ઐતિહાસિક વારસાની અમૂલ્ય ધરોહર. વર્ષોથી પ્રવાસન ક્ષેત્રમાં અવગણાયેલું આ શહેર હવે નવા પરિબળોની દહેલીજ પર ઉભું છે. આજે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં થયેલી ઉચ્ચસ્તરીય બેઠકએ પોરબંદરની ભાવિ યાત્રાનો નવો અધ્યાય સાબિત થશે એવું જણાઈ રહ્યું છે. બેઠકમાં સ્પેનની નામી આર્કિટેક્ટ ટીમે જે પ્રેઝન્ટેશન રજૂ કર્યું તે માત્ર ડેવલપમેન્ટનો રોડમેપ નહોતો, પરંતુ પોરબંદરને ઇન્ટરનેશનલ ટુરિઝમ સ્પોટ તરીકે વિકસાવવાના સ્વપ્નનું સૌપ્રથમ પ્રસ્તાવન પત્ર હતું. શહેરના ઐતિહાસિક વારસા, દરિયાકાંઠા અને શહેરની ભૌગોલિક વિશેષતાઓને આધારે બનાવાયેલ તેમની યોજના પોરબંદરને કચ્છ, ઉદયપુર, જયપુર, કોચી અને વડનગર, અમદાવાદ જેવી હેરિટેજ સિટીઝની સરખામણીમાં એક અદ્વિતીય કક્ષાએ લઈ જવા સક્ષમ છે.
પોરબંદરની જૂની હવેલી-વાડીઓ, ગાંધીગરીના પગલે લખાયેલો ઈતિહાસ, દરિયાની નિલી શિરા અને નાગેશ્વરથી દ્વારકા-સોમનાથ સુધીનો તીર્થપરંપરાનો વિસ્તાર-આ બધું મળીને પોરબંદરને અનોખી ઓળખ આપતું આવ્યું છે. પરંતુ આ ઓળખને વિશ્વના પ્રવાસન નકશા પર મૂકવા માટે જરૂરી આયોજન, આધુનિકીકરણ, હેરિટેજ પ્રિઝર્વેશન અને સ્માર્ટ અર્બન પ્લાનિંગની જે માંગ હતી, તે હવે પૂરી થતી જણાઈ રહી છે.
આ બેઠકમાં તૈયાર કરાયેલ પ્રાથમિક યોજનાઓમાં ‘ગાંધી કોરિડોર’, દરિયાકાંઠાનું મોડર્ન ડેવલપમેન્ટ, હેરિટેજ વોકવે, કલ્ચરલ પ્લાઝા, ડિજિટલ ટુરિઝમ પોઇન્ટ્સ અને કોસ્ટલ-હેરિટેજ ટુરિઝમ ઝોન જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. દ્વારકા અને સોમનાથના તીર્થ સર્કિટ સાથે પોરબંદરને જોડીને પ્રદેશમાં ત્રિકોણીય ધર્મ-પ્રવાસન પાથ વિકસાવવાનો વિચાર પણ મંત્રીએ મંજૂર કર્યો છે. સ્પેનિશ નિષ્ણાતો દ્વારા રજૂ કરાયેલ ટેક્નિકલ રિપોર્ટ મુજબ, પોરબંદર પાસે હેરિટેજ, કોષ્ટલ વેલ્યૂ, આધ્યાત્મિકતા અને ઇકો-ટુરીઝમ-ચારેય પરિબળોનું સંયોજન છે. જો આ દિશામાં આયોજનસર કાર્ય થાય, તો પોરબંદર ગુજરાતનું નવું પ્રવાસન મથક અને દરિયામાં ઉગતા સૂર્ય જેટલું તેજસ્વી શહેર બની શકે છે.
- Advertisement -
આ બેઠક માત્ર ચર્ચા નહીં, પરંતુ પોરબંદર પ્રવાસનના દ્વાર પૂરેપૂરા ખોલવાની ઘોષણા સમાન હતી. શહેરના વિકાસની ઝડપ, ભવિષ્યની રચના અને નાગરિકોને ગર્વ અનુભવે એવી આયોજનબદ્ધ કામગીરીનો આરંભ આજે થયો છે.
આગામી માસોમાં સરકાર અને નિષ્ણાતોની સંયુક્ત ટીમ પોરબંદરની ધરોહરને વૈશ્વિક પ્રવાસન નકશા પર આગળ ધપાવશે.
પોરબંદર માટે આ બેઠક એ સંકેત છે- કે હવે શહેર પાછળ નહીં, પરંતુ આગળ વધે છે. કે હવે પોરબંદર માત્ર ઈતિહાસ નહીં, પરંતુ ભાવિ3 વિકાસનું કેન્દ્ર બનશે. અને કે હવે પોરબંદર પ્રવાસન ક્ષેત્રના દ્વાર સદૈવ ખૂલવા જઈ રહ્યા છે.
પોરબંદર પ્રવાસન વિકસાવવા 5 મુખ્ય ફોકસ પોઇન્ટ
ગાંધી કોરિડોર: હેરિટેજ સ્થળોને જોડતી વિશેષ ટુરિઝમ સર્કિટ
કોસ્ટલ ડેવલપમેન્ટ: દરિયાકાંઠે વોકવે, વ્યૂ પોઇન્ટ અને નાઇટ ટુરિઝમ
હેરિટેજ પ્રિઝર્વેશન: જૂની હવેલી-વાડીઓનું સંવર્ધન
આધ્યાત્મિક સર્કિટ: દ્વારકા-સોમનાથ સાથે પોરબંદરને જોડતો ત્રિકોણીય તીર્થપથ
સ્માર્ટ ટુરિઝમ સુવિધાઓ: ડિજિટલ ગાઇડ પોઇન્ટ, ઇકો-ટ્રેઇલ, કલ્ચરલ પ્લાઝા



