વસઈ પાસે પ્રસ્તાવિત એરપોર્ટ મામલે ચાર ગામના ખેડૂતો દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ
મંગળવારે પ્રસ્તાવિત કામગીરી મુદ્દે અધિકારીગણ ઉપસ્થિત ન રહેતા ખેડૂતોમાં નારાજગી
- Advertisement -
આવેદનપત્ર, રેલી, અહિંસક આંદોલન અને ન્યાયાલય સુધી જવાનો નિર્ધાર કરતા ખેડૂતો
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા, તા.26
યાત્રાધામ દ્વારકા પંથકના દ્વારકાના વસઈ ગામ આસપાસ પ્રસ્તાવિત એરપોર્ટ નિર્માણ મામલે ચર્ચાઓએ જોર પકડયુ છે ત્યારે સ્થાનીક ખેડૂતોમાં વસઈ આસપાસની જમીનોમાં એરપોર્ટ નિર્માણ માટે જમીન સંપાદન સહિતના મુદ્દે તંત્ર સાથે થનાર ચર્ચા પહેલાં જ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. જે દરમિયાન મંગળવારે પ્રસ્તાવિત એરપોર્ટ માટેની જરૂરી ખાનગી માલીકીના સર્વે નંબરવાળી જમીનોના અસરગ્રસ્ત વસઈ, ગઢેચી, મેવાસા અને કલ્યાણપુર ગામના ખેડૂતોએ સંયુક્ત રીતે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યકત કર્યો હતો. બીજી બાજુ ઉપરોકત પ્રસ્તાવિત કામગીરી સબબ કોઈ કારણસર અધિકારીગણ ઉપસ્થિત ન રહેતા પણ ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી.
આ અંગે આગામી દિવસોમાં આ બાબતે અધિકારીગણ સ્થળ મુલાકાત લઈ કામગીરી કરે તેવી પણ સંભાવના છે.ખેડૂતોની આ લડતને ઓખામંડળના રાજકીય આગેવાનો, સ્વયંસેવી સંસ્થાઓ, મંડળો, વિવિધ સમાજો, મજદૂર સંઘો, વેપારી સંસ્થાઓ, ટ્રસ્ટ મંડળો સાથે 42 ગામના સરપંચનો પણ સહયોગ છે.
- Advertisement -
વસઈ ખાતે આયોજીત ખેડૂત મિટીંગમાં ખેડૂત આગેવાનોની એક જ વાત અમે કોઈ પણ ભોગે એરપોર્ટ માટે અમારી જમીન આપવા માંગતા નથી. આ નિર્ણય અને અમારી માંગ માટે અમે આવેદનપત્ર, રેલી, અહિંસક આંદોલન અને ન્યાયાલય સુધી જવાનો નિર્ધાર પણ કર્યો છે. વસઈ, બાટીસા, મેવાસા અને ગઢેચી. આ ચાર ગામની જમીન વસઈ એરપોર્ટ પ્રોજેક્ટ માટે લેવાની વાત છે તે જમીન અનેક રીતે ફળદ્રુપ, ઉપજાઉ, મીઠા પાણી વાળી અને શાકભાજી અનાજ મગફળીનો ભંડાર માનવામા આવે છે. આ એરપોર્ટમાં ઉપયોગ લેવા માટે નિર્દેશ કરેલ જમીન ઉપર જો એરપોર્ટ બને તો 1500 લોકોને સીધી અસર થાય. આ ઉપરાંત આ ચાર ગામની જમીન ઉબડ ખાબડ હોય ત્યા ભરતી ભરાય એટલે ચોમાસામાં આસપાસનાં 10 ગામોને અસર થાય તેવી ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે.
વળી, આ મોટા ભાગની જમીનનાં ખેડૂતો અભણ હોઈ અન્ય વ્યવસાય કરી શકે તેમ ન હોય જેથી તે લોકોનાં ભવિષ્ય અંધકારમય થવાનો ડર પણ છે. આ નિર્દેશ થયેલ જમીન પર નિર્ભર ખેડૂતો મોટા ભાગનાં હિન્દુ વાઘેર સમાજનાં છે. આ સમાજ ઓખામંડળ સિવાય વિશ્વમાં ક્યાંયે નથી. જો આ લોકોની જમીન છિનવાય તો તે લોકોની ખેતી સિવાય પશુપાલન પણ બીજે ન કરી શકે. આમ સંસ્કૃતિ-પરંપરા અને સામાજિક રિવાજો ને પણ અસર થશે.
એરપોર્ટ માટે ઓખામંડળમાં જ અન્ય વિકલ્પો ખુલ્લા હોવાનો ખેડૂતોનું અભિપ્રાય
ખેડૂત આગેવાનોનુ કહેવાનું છે કે સરકારે અગાઉ વરવાડા, ધ્રેવાડ, મોજપ અને મીઠાપુર એરપોર્ટ માટે સર્વે કર્યો હતો તો પછી વસઈમાં જ કેમ ? ઓખામંડળની અન્ય બીન ઉપજાઉ જમીનો ઉપર એરપોર્ટનું સ્વાગત છે. ખેડૂતોનો સૂર કે વિકાસ સામે કે એરપોર્ટ સામે વાંધો નથી પરંતુ ખેડૂતોને અનેક સમસ્યા અને નુકશાની સામે વિકાસ શા કામનો ?
આસપાસના વિસ્તારોમાં પીવાનું પાણી પૂરૂં પાડવામાં પણ વસઇ ગામનો સિંહફાળો
દ્વારકા ક્ષેત્રનો વિકાસ થાય તેમાં અમે તમામ ખેડૂતો સહમત છીએ પરંતુ વસઇ ગામ આસપાસની જમીન ખૂબ જ ફળદ્રુપ હોય વર્ષ દરમિયાન વિવિધ પાકો પણ લેવામાં આવે છે અને આસપાસના વિસ્તારોમાં પીવાનું પાણી પૂરૂં પાડવામાં પણ વસઇ ગામનો સિંહફાળો છે ત્યારે આવી ફળદ્રુપ જમીન તેઓની આજીવિકાનું સાધન હોય આ જગ્યાને એરપોર્ટ પ્રોજેક્ટ માટે પસંદ ન કરી અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતોની રોજી રોટીને બચાવી શકાય તેમ છે.



