ડ્રેસના રંગનું જ સ્વેટર પહેરવાનું દબાણ, વિદ્યાર્થી નેતાની શિક્ષણ અધિકારીને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
દિવાળી વેકેશન બાદ પોરબંદરના અનેક ખાનગી શાળાઓએ વિદ્યાર્થીઓ પર સ્વેટરના રંગને લઇ દબાણ શરૂ કર્યું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. ઠંડી વધતી હોય તે સમયે બાળકો પોતાની સુવિધા પ્રમાણે કોઈપણ ગરમ કપડું પહેરી શકે તે સ્વાભાવિક છે, છતાં શાળાઓએ સ્કૂલ ડ્રેસના રંગનું જ સ્વેટર પહેરવા ફરમાન જારી કરાતા વાલીઓમાં અસંતોષ વ્યાપ્યો છે. વેકેશન પૂરું થવાનું બાકી હોવા છતાં જ વાલીઓના મોબાઇલ પર શાળાઓ દ્વારા મેસેજ મોકલાઈ રહ્યાં હતાં કે ડ્રેસ મુજબનું જ સ્વેટર પહેરવું, નહીંતર દંડ લાગશે. આવા મેસેજોથી વાલીઓ અલગ જ દબાણ અનુભવતા બન્યા હતા. આ બાબતે વિદ્યાર્થી નેતા કિશન રાઠોડે પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરતાં જણાવ્યું કે, વિદ્યાર્થી ડ્રેસના રંગથી નહિ, પરંતુ શિક્ષણથી વિકસે છે. સ્વેટરનું કલર ભણતર માટે મહત્વનું કેવી રીતે બની શકે? બાળકો ઠંડીથી બચવા સ્વેટર પહેરે છે, બ્રાનિ્ંડગ માટે નહિ. રાઠોડે વધુમાં માંગણી કરી કે શાળાઓ દ્વારા સ્વેટર અંગે કરવામાં આવતું દબાણ કાયદે ગેરરૂપીયું છે અને વાલીઓને પોતાના બાળકો માટે ઉપલબ્ધ કોઈપણ સ્વેટર પહેરાવવાનો અધિકાર છે.
તેમણે શિક્ષણ અધિકારીને સ્પષ્ટ પરિપત્ર જાહેર કરવાની વિનંતી કરી હતી કે – બાળકો કોઈપણ રંગના સ્વેટર પહેરી શકે, અને જો શાળા દબાણ કરે તો સંચાલકો સામે કાર્યવાહી કરવી. પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થી નેતાને ખાતરી આપવામાં આવી છે કે રજૂઆત ગંભીરતાથી લઈ માર્ગદર્શનરૂપ પરિપત્ર જાહેર કરવામાં આવશે. સાથે સાથે મનમાની કરતી શાળાઓ વિરુદ્ધ યોગ્ય પગલાં પણ લેવામાં આવશે. વાલીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે શહેરમાં ઠંડી વધી રહી છે, ત્યારે બાળકોને ગરમ રાખવા માટે સ્વેટર પહેરવું અગત્યનું છે, રંગનું પાલન નહિ. શાળાઓની આ નીતિ બાળકોના ડ્રેસ કોડને વધારે પ્રાથમિકતા આપે છે તેમ વાલીઓ કહી રહ્યાં છે. શાળાઓની મનમાનીને કારણે ઊભો થયેલો આ મુદ્દો હવે શિક્ષણ વિભાગ કેવી રીતે હલ કરે છે તે જોવું રહ્યું.



