2 લાખની સામે 5.80 લાખ ચૂકવ્યા છતાં 18 વીઘાની વાડી પચાવી પાડી હતી; વ્યાજખોર વિશ્ર્વરાજસિંહ ચુડાસમાની ધરપકડ, વાડીનો કબજો પરત સોંપાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ગ્રામ્ય પોલીસે વ્યાજખોરોના ત્રાસમાંથી નાગરિકોને મુક્ત કરાવવા ચાલી રહેલા અભિયાનમાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. તા. 21/11/2025 ના રોજ ભાયાવદરના સિનિયર સિટીઝન ઉદયભાઈ હર્ષદરાય શાહ (ઉ.વ. 61) એ આત્મહત્યા કરવા જઈ રહ્યાનો મેસેજ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરને મોકલાવતા પોલીસે ગણતરીના કલાકોમાં તેમને બચાવી લીધા હતા.એસ.પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પોલીસે તુરંત કાર્યવાહી કરી ઉદયભાઈ શાહનું લોકેશન સુરત શહેરના મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શોધી કઢાવ્યું હતું. ત્યાંની પોલીસ ટીમની મદદથી ઉદયભાઈ શાહને આત્મહત્યા કરતા બચાવી લેવાયા હતા.
ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ કરતા ઉદયભાઈ શાહે જણાવ્યું કે, તેમણે વર્ષ 2020માં ભાયાવદરના વિશાલસિંહ ઉર્ફે વિશ્વરાજસિંહ બળવંતસિંહ ચુડાસમા પાસેથી રૂ. 2,00,000/- 10% વ્યાજે લીધા હતા, જેના વ્યાજ સહિત રૂ. 5,80,000/- પરત આપ્યા હોવા છતાં વિશ્વરાજસિંહે વધુ રૂ. 10,00,000/- ની માંગણી કરી હતી. પૈસા ન આપતા, વિશ્વરાજસિંહે હથિયાર બતાવી ધમકી આપી, ઉદયભાઈ શાહની વડીલોપાર્જિત 18 વીઘાની ખેતીની વાડી (જેની બજાર કિંમત આશરે રૂ. 5,00,00,000/- છે) પચાવી પાડી હતી અને બોર્ડ મારી દીધું હતું. તેમજ અન્ય મકાન અને પ્લોટ પણ પડાવી લેવાની ધમકી આપતા ઉદયભાઈ હતાશ થઈને આત્મહત્યા કરવા નીકળ્યા હતા.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર અને એસ.પી. વિજયસિંહ ગુર્જરની સૂચનાના આધારે ભાયાવદર પોલીસે આરોપી વિશ્વરાજસિંહ ચુડાસમા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ)ની કલમ 308(5) (આત્મહત્યા માટે ઉશ્કેરણી), 351(3) (હથિયાર બતાવી ધમકી) તથા આર્મ્સ એક્ટ અને ગુજરાત નાણા ધીરધાર કરનાર અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી ઉદયભાઈ શાહને તેમની વાડીનો કબજો સ્વેચ્છાએ પરત સોંપાવ્યો છે અને વધુ પુરાવા મેળવવા માટે આરોપીના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે. આરોપી વિશ્વરાજસિંહ વિરુદ્ધ અગાઉ રાજકોટ શહેરમાં પણ વ્યાજખોરીના બે ગુના દાખલ થયેલા છે.
- Advertisement -
વ્યાજખોર વિશ્ર્વરાજસિંહથી ત્રસ્ત લોકોને અપીલ
આ કામેના આરોપી વિશ્વરાજસિંહ ચુડાસમાએ અન્ય કોઈ વ્યક્તિ પાસેથી ગેરકાયદેસર રીતે વ્યાજવટાની ઉઘરાણી કરેલ હોય કે મિલકતનો ગેરકાયદેસર કબજો કરેલ હોય તો ભાયાવદર પોલીસ સ્ટેશન (પી.આઈ. વી.સી.પરમાર, મો.નં. 9537977744) અથવા રાજકોટ ગ્રામ્ય પોલીસ ક્ધટ્રોલ રૂમ (મો.નં. 7433911100) પર સંપર્ક કરવા વિનંતી છે.



