કાર તથા ચોરીના ઓજારો સહિત 2.63 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
ચોટીલા ખાતે એટીએમમાં ચોરી કરે તે પૂર્વે પરપ્રાંતીય ગેંગના ત્રણ સભ્યોને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં ચોટીલા ખાતે એસ.બી.આઇ બેન્કમાં એટીએમમાં ચોરી કરવાના ઇરાદે આવેલા પાંચ શખ્સોએ રેકી કરી હતી બાદમાં ચોરીને અંજામ આપે તે પૂર્વે આ પાંચેય શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે આ તમામ શખ્સોને ઝડપી પાડી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગેમ રમવામાં 8 લાખ રૂપિયાનું દેણું થઈ જતા એટીએમ તોડવાનું કાવતરું રચવામાં આવ્યું હતું જેમાં મુખ્ય સુત્રધાર ચોટીલાના નવાગામના શખ્સે પરપ્રાંતીય ગેંગને તૈયાર કરી આ ગેંગના સભ્યોને રાજકોટ ખાતે હોટલમાં રહેવા અને જમવાની સગવડ કરી આપી હતી જે બાદ આ ગેંગના સભ્યોએ ચોટીલા ખાતે એસબીઆઈ બેંકના એટીએમની રેકી કરી હતી પરંતુ એટીએમમાં ચોરી કરે તે પૂર્વે ગેંગ પોલીસના હાથે ચડી જતા એટીએમ ચોરીનો પ્લાન ફેઇલ થયો હતો. જ્યારે આ એટીએમ ચોરીના પ્લાનને અંજામ આપનાર મુખ્ય સૂત્રધાર મેહુલ ઉર્ફે રોહિત રવજીભાઈ મકવાણા રહે: રાજકોટ, અજય ઉર્ફે અંકિત જેરામભાઈ ઉધરેજીયા રહે: નવાગામ (ચોટીલા) સહિત રોકીરાજ ઉર્ફે સુરેશસિંહ કુશવાહ, રવિશંકર રાજુપ્રસાદ ઉર્ફે રાજુભાઈ શાહ, બિરુકુમાર ચંદમારામ ચમાર તમામ રહે: અમિયાવર (બિહાર વાળાને ઝડપી પાડી ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
પરપ્રાંતીય શખ્સો પાસેથી ઘાતક હથિયાર પણ જપ્ત કર્યા
ચોટીલા એસબીઆઈ બેંકના એટીએમ ચોરી કરવા આવેલા ત્રણ પરપ્રાંતીય સહિત કુલ પાચ શખ્સોને ઝડપી લીધા હતા જેમાં આ ઝડપાયેલ શખ્સો પાસેથી તમંચો અને જીવતા કારતૂસ મળી આવ્યા છે.
ધાડપાડુ ગેંગ રાજકોટની હોટલ ખાતે રોકાયા હતા
- Advertisement -
ચોટીલા એટીએમમાં ચોરી કરવા આવેલા ત્રણ પરપ્રાંતીય શખ્સો રોકવા માટે રાજકોટની હોટલમાં રૂમ રાખ્યો હતો જેમાં આખાય એટીએમ ચોરીના પ્લાનને અંજામ આપવાનું કાવતરું રચ્યું હતું.
ધાડપાડુ ગેંગ પાસેથી શું કબ્જે કરાયું ?
ચોટીલા એટીએમમાં ચોરી કરવા આવેલા ત્રણ પરપ્રાંતીય શખ્સો સહિત પાંચને સ્થાનિક પોલીસે શંકાના આધારે ઝડપી લેતા આ ગેંગ પાસેથી એક દેશી હાથ બનાવટ તમંચો, બે જીવતા કારતૂસ, છ નંગ મોબાઇલ, રોકડ 3500 રૂપિયા, એક ફોરવ્હીલ કાર તથા ધાડ પાડવાના ઓજાર સહિત 2,63,370 રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો છે.



