બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 24 નવેમ્બરના રોજ નિધન થતાં સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગમગીન થઈ ગઈ છે. તેમના ચાહકો અને પરિવાર શોકમાં ડૂબી ગયા છે. આ દુઃખની ઘડીમાં, સુપરસ્ટાર શાહરૂખ ખાને પોતાના પિતાતુલ્ય માર્ગદર્શક ધર્મેન્દ્રને ભાવનાત્મક પોસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપી છે. શાહરૂખે તેમની સાથેનો એક ફોટો શેર કર્યો છે, જેમાં ધર્મેન્દ્ર શાહરૂખના ચહેરા પર પ્રેમથી હાથ રાખીને આશીર્વાદ આપતા જોવા મળી રહ્યા છે.
શાહરૂખ ખાને આપી શ્રદ્ધાંજલિ
- Advertisement -
શાહરૂખ ખાને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, ‘ધરમ જી, તમારી આત્માને શાંતિ મળે, તમે મારા માટે પિતા સમાન હતા. મારા પર આશીર્વાદ અને પ્રેમ વરસાવવા બદલ આભાર. આ નુકસાન માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ દુનિયાભરના સિનેમા અને ફિલ્મપ્રેમીઓ માટે પણ અસહ્ય અને ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ છે. તમે અમર છો અને તમારી આત્મા તમારી ફિલ્મો તથા તમારા સુંદર પરિવાર દ્વારા હંમેશા જીવંત રહેશે. હંમેશા ખૂબ પ્રેમ.’
બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓ દ્વારા શ્રદ્ધાંજલિ
- Advertisement -
અભિનેતા શત્રુઘ્ન સિંહા, પ્રિયંકા ચોપરા, કરીના કપૂર, કરણ જોહર, આશા પારેખ જેવા કલાકારોએ ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી. સલમાન ખાન, અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, ગોવિંદા, દીપિકા પાદુકોણ-રણવીર સિંહ સ્મશાન ઘાટ પહોંચ્યા હતા. જ્યારે અભિનેત્રી કાજોલ ધર્મેન્દ્રના ઘરે શોક વ્યક્ત કરવા ગઈ હતી.
લાંબા સમયથી હતા બીમાર
ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા, એવી માહિતી મળી છે. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. હૉસ્પિટલમાં કેટલાક દિવસ તેમની સારવાર ચાલી. એક તબક્કે તેમની તબિયત બગડી હતી, પરંતુ પછી ધીમે ધીમે તેઓ સારવારને પ્રતિભાવ આપવા લાગ્યા. ત્યારબાદ, તેમનો પરિવાર તેમને ઘરે લઈ આવ્યો હતો, જ્યાં ઘરેથી જ તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, 24 નવેમ્બરના રોજ ધર્મેન્દ્રએ આ દુનિયાને અલવિદા કહી દીધું. ધર્મેન્દ્રના આકસ્મિક નિધનથી આખો પરિવાર આઘાતમાં છે.




