બેડી ચોકડી પાસે ડિલવરી દેવા આવતા જ સ્ટાફે પાડ્યો દરોડો : 5.54 લાખનો મુદામાલ કબ્જે
જેલમાં થયેલી ડીલ મુજબ બે માસ પૂર્વે જેલમુક્ત થઇ બેલડીએ ધંધો શરુ કરી દીધો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એસઓજીની ટીમે બેડી ચોકડી પાસે વોચ ગોઠવી નામચીન શખસના મકાનમાં ગોધરાનો શખ્સ ડિલિવરી દેવા આવતા જ એસઓજીની ટીમે દરોડો પાડી બંનેને 179 ગ્રામ એમડી ડ્રગ સાથે ઝડપી લઇ ડ્રગ, રોકડ, મોબાઈલ સહીત 5,54,020 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે રાજકોટના નામચીન શખસને જેલમાં મુલાકાત થયા બાદ બે માસ પુર્વે જેલમુક્ત થઇ ગોધરાના શખ્સ પાસેથી માલ મંગાવી ધંધો શરુ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટનું યુવાધન માદક પદાર્થોથી દૂર રહે અને આ નશીલા દ્રવ્યોનું વેચાણ કરતા શખ્સો ઉપર પણ કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, એડિશનલ સીપી બ્રજેશ ઝા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બી બી બસિયાની સૂચના અંતર્ગત એસઓજી પીઆઇ એસ એમ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી વી ધ્રાંગુ અને ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના હાર્દિકસિંહ પરમાર અને દિગ્વિજયસિંહ ગોહિલને મળેલી બાતમી આધારે બેડી ચોકડી પાસે સ્વસ્તિક વીલા સોસાયટીમાં આવેલ મકાનમાં દરોડો પાડી અહીંથી નામચીન શખ્સ અલ્પેશ ઉર્ફે ભુરો રમેશભાઈ તન્ના અને ગોધરાના ચિખોદ્રા ગામે રહેમતનગરમાં રહેતા સફી ગુલામભાઈ પિંજારાને સકંજામાં લઇ જડતી લેતા મકાનમાંથી 5.38 લાખની કિંમતનુ 179.24 ગ્રામ મેફેડ્રોન (ડ્રગ્સ) મળી આવતા પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી તેની પાસેથી ડ્રગ્સ, ત્રણ મોબાઈલ, રોકડ સહીત 5.54 લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં અલ્પેશ અગાઉ રાજકોટ અને ખેડા પોલીસમા એનડીપીએસ સહીત ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનુ અને બે માસ પુર્વે જેલમાંથી બહાર આવ્યો હોવાનું જાણવા મળ્યું છે જયારે સફી પણ એક ગુનામાં પકડાઈ ચુક્યો છે અલ્પેશ અગાઉ એનડીપીએસના ગુનામાં ખેડામાં પકડાયો ત્યારે જેલમાં સફી સાથે મુલાકાત થઇ હતી અને ત્યારે બંને વચ્ચે એમડી ડ્રગના ધંધા અંગે વાતચીત થઇ હતી બે મહિના પહેલા જ જેલમુક્ત થઇ સફીનો સંપર્ક કરી ફરી વેપલો શરૂ કર્યો હતો જો કે પોલીસે બંનેને ઝડપી લઇ વધુ તપાસ અર્થે કબ્જો બી ડિવિઝન પોલીસને સોંપ્યો છે.



