નિરોગી ગુજરાતના હેતુ સાથે બોર્ડના 1.53 લાખ ટ્રેનર્સ કાર્યરત; હેમુ ગઢવી હોલ ખાતે યોગ સેવક શીશપાલજીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટ ખાતે તા. 22 નવેમ્બર, 2025ના રોજ હેમુ ગઢવી હોલ ખાતે ’યોગ સંવાદ અને યોગ સ્નેહ મિલન’ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી પૂરી પાડવાના ઉદ્દેશ્યથી 2019માં સ્થપાયેલા આ બોર્ડ અંતર્ગત હાલમાં રાજ્યમાં 1,53,000 ટ્રેનર્સ દ્વારા 5000થી વધુ નિ:શુલ્ક યોગ કક્ષાઓ કાર્યરત છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી કલેક્ટર સી.એમ. પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન શ્રી ગણેશ સ્તુતિ, યોગ આસનો અને એક વિદ્યાર્થીનીએ આંખે પાટા બાંધીને તલવારના દાવ-પેચ તેમજ આસન કરી 1500થી વધુ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
સ્નેહ મિલન બાદ યોજાયેલા યોગ સંવાદ સત્રમાં ચેરમેન શીશપાલજીએ તેમની સરળ શૈલીમાં સૌને યોગ ટ્રેનર બનવા માટે આહવાન કર્યું હતું. તેમણે ટ્રેનર અને કોચને યોગ બોર્ડ સાથે જોડાયા બાદ થયેલા ફાયદા જણાવવા કહ્યું અને અંતમાં ધ્યાન કરાવીને ઉપસ્થિત સૌને તન, મન અને આત્માનું મિલન થયાની અનુભૂતિ કરાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઝોન કો-ઓર્ડિનેટર વંદનાબેન રાજાણી અને જિલ્લા કો-ઓર્ડિનેટર હિતેશભાઈ કાચા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.



