પાસપોર્ટ કાયમી ધોરણે પરત મેળવવાની અરજી મોરબી કોર્ટે રદ કરી; સરકારી વકીલની દલીલોને ધ્યાને લેવાઈ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી અને ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલને મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મોટો ફટકો આપ્યો છે. કોર્ટે જયસુખભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલી પાસપોર્ટ કાયમી ધોરણે પરત મેળવવાની અરજીને રદ કરી છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબર, 2022ના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોના કરૂણ મોત થયા હતા. આ બનાવના મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલને જામીન મળ્યા ત્યારે તેમની શરતોમાં પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો ફરજિયાત હતો. આ શરત દૂર કરી પાસપોર્ટ પરત મળે તે માટે તેમણે અરજી કરી હતી.
મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ આ અરજી સામે સખત દલીલો રજૂ કરી હતી. તેમની દલીલોને ધ્યાનમાં રાખીને મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ પી.વી. શ્રીવાસ્તવે જયસુખભાઈ પટેલની અરજીને રદ કરી દીધી હતી.
સરકારી વકીલે જણાવ્યું હતું કે, અગાઉ જયસુખભાઈએ એક મહિના માટે પાસપોર્ટ મેળવ્યો હતો, પરંતુ તે દરમિયાન તેઓ વિદેશ ગયા ન હતા. આ સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટે અરજી રદ કરી છે.



