SIRની કામગીરીને કારણે કર્મચારીઓ પર અસહ્ય દબાણ છે
રાજ્યભરમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા અને ચકાસણી (SIR)ની કામગીરી હવે જીવલેણ સાબિત થઈ રહી હોય તેવા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. કોડીનારમાં શિક્ષકના આત્મહત્યાના પ્રયાસની ઘટના હજુ તાજી છે, ત્યાં તો આજે (22 નવેમ્બર) વડોદરામાં ચૂંટણીલક્ષી કામગીરી દરમિયાન એક સહાયક BLO મહિલાનું ફરજ પર જ કરૂણ મોત નીપજતા સરકારી કર્મચારી આલમમાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે.
- Advertisement -
ચાલુ ફરજે છાતીમાં દુખાવો ઉપડ્યો, હોસ્પિટલમાં મૃત જાહેર
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાના વતની અને હાલ વડોદરાના ગોરવા સરકારી ક્વાર્ટર્સમાં રહેતા ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી ગોરવા ITIમાં ફરજ બજાવતા હતા. હાલની ચૂંટણીલક્ષી કામગીરીમાં તેઓ સયાજીગંજ કડક બજાર વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં સહાયક BLO તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
આજે શનિવારે કામગીરી દરમિયાન અચાનક ઉષાબેનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. સાથી કર્મચારીઓએ તાત્કાલિક તેમને સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ હોસ્પિટલના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
- Advertisement -
પતિએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો, ‘કામનો ભારણ જવાબદાર’
ઉષાબેનના આકસ્મિક નિધનથી તેમના પરિવાર પર આભ ફાટ્યું છે. તેમના પતિ ઇન્દ્રસિંહ સોલંકીએ આ ઘટના માટે તંત્રની બેદરકારી અને કામના ભારણને સીધું જવાબદાર ઠેરવતા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે SIRની કામગીરીને કારણે કર્મચારીઓ પર અસહ્ય દબાણ છે. તેમનું અનુમાન છે કે કામના અસહ્ય ભારણ અને તણાવને કારણે હાર્ટ એટેક આવ્યો હશે.
ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ પણ SSG હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ મામલે સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.
શિક્ષકોના મોતના ઉપરા-ઉપરી 4 બનાવો
આ એક સપ્તાહમાં રાજ્યમાં ચૂંટણીલક્ષી કામગીરીના ભારણ સંબંધિત આ ચોથી ઘટના છે, જેના કારણે રાજ્યના શિક્ષણ બેડામાં ભય અને ફફડાટ વ્યાપી ગયો છે.ઉલ્લેખનીય છે કે, ગઈકાલે શુક્રવારે તાપી જિલ્લાના વાલોડમાં BLO સહાયક તરીકે ફરજ બજાવતા એક મહિલા આચાર્ય કલ્પનાબેન પટેલનું હાર્ટ એટેક આવતા કરુણ નિધન થયું હતું. આ પહેલાં પડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું પણ BLO કામગીરી દરમિયાન જ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તો ગીર સોમનાથના કોડીનારમાં પણ ચૂંટણીલક્ષી કામગીરીના અસહ્ય ભારણ અને માનસિક તણાવને કારણે એક શિક્ષકે આપઘાત કરી લીધો હતો.

કોડીનારના BLO ગ્રુપના સ્ક્રીનશોટ વાયરલ
આ તમામ વિવાદ વચ્ચે કોડીનારના BLO ગ્રુપના કેટલાક સ્ક્રીનશોટ પણ વાયરલ થયા હતા, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે અધિકારીઓ BLO શિક્ષકોને કામનું કેવું અસહ્ય ભારણ આપી રહ્યા છે. મામલતદાર કોડીનારે ગ્રુપમાં કરેલા મેસેજના બીજા ફકરામાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ‘તમામ BLO અને સુપરવાઇઝરે મોડે સુધી કામ કરવું અને ફેસિલિટેશન સેન્ટર પણ મોડા સમય સુધી ચાલુ રાખવા’. આ મેસેજના જવાબમાં એક BLO શિક્ષકે મેસેજ કર્યો હતો કે, “સાહેબ, હું સવારના ચાર વાગ્યાનો જાગું છું.” આ એક જ વાક્ય BLO પર કામનું કેટલું ગંભીર ભારણ થોપવામાં આવી રહ્યું છે, તેની કઠોર વાસ્તવિકતા ઉજાગર કરે છે.
BLOની કામગીરી સામે વધતો આક્રોશ
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત દેશભરમાં મતદારોના વેરિફિકેશનને લગતી SIRની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને કારણે BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકો અને અન્ય કર્મચારીઓ અસહ્ય કામના ભારણ, દબાણ અને નિયત સમયમર્યાદાના તણાવનો સામનો કરી રહ્યા છે. શિક્ષક સંઘો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં શિક્ષણ સિવાયની કામગીરીનું ભારણ યથાવત્ રહેતા, આ પ્રકારની ઘટનાઓ સરકારની નીતિઓ પર ગંભીર સવાલો ઊભા કરી રહી છે. શિક્ષકોમાં માગણી ઉઠી છે કે આ ભારણ તાત્કાલિક ઘટાડવામાં આવે અને મૃતક શિક્ષકોના પરિવારને યોગ્ય સહાય આપવામાં આવે.
SIRની કામગીરી સામે વધતો આક્રોશ
ગઈકાલે (શુક્રવારે) જ રાજ્યમાં એક BLOએ કામના ભારણને કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની હતી. તેના ગણતરીના કલાકોમાં જ વડોદરામાં ફરજ દરમિયાન મહિલા કર્મચારીનું મોત થતાં, સરકારી કર્મચારીઓમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે અને SIRની કામગીરી સામે મોટા વિરોધની શક્યતા છે.




