જુની માંડરડી સેવા સહકારી મંડળીના પ્રમુખ રમેશ વસોયાએ ધારાસભ્યને પત્ર લખી કરી રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા ધાતરવડી – 1 સિંચાઇ યોજના હેઠળ આવેલ કેનાલ રીપેર કરી અને કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી છે. અતિભારે વરસાદની કારણે ભારે નુકસાન થવા પામ્યું છે. જ્યારે હવે શિયાળુ પાકનું વાવેતર શરૂ થયું છે. ત્યારે શિયાળું પાકમાં પાણીની ખુબજ જરૂરીયાત હોય જેથી કેનાલ રીપેર કરી ખેડૂતોને પિયત માટેનું પાણી આપવામાં આવે જેને લઈ ખેડૂત આગેવાન અને જુની માંડરડી સેવા સહકારી મંડળીના પ્રમુખ રમેશભાઈ વસોયા દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવેલ કે, અતિ ભારે વરસાદના લીધે કેનાલો અનેક જગ્યાએ તુટી ગયેલ હોય તેમજ કેનાલમાં જંગલ કટીંગ પણ થયેલ હોય તો ખેડૂતોને શિયાળુ પાકનું વાવેતર શરૂ છે. અને ભારે વરસાદના લીધે ખરીફ પાક સદંતર નિષ્ફળ ગયેલ જેથી શિયાળુ પાકમાં પાણીની વહેલી જરૂર હોવાથી સમય મર્યાદામાં કેનાલ રીપેર કરી અને વહેલુ પાણી સિંચાઈ માટે ખેડૂતોને મળે તેવી મારી માંગણી છે. વધુમાં જણાવેલ કે, ચાલું વર્ષમાં અતિ વરસાદના લીધે ખેડૂતોનો ચોમાસુ પાક નિષ્ફળ ગયેલ હોય જે ઘ્યાને લઈ ખેડૂતોને વિના મૂલ્યે પાણી આપવામાં આવે એવી અમારી માંગ કરી છે.
- Advertisement -
ખેડૂતો સિંચાઈ વિભાગમાં એડવાન્સ રૂપિયા ભરી પિયતનું પાણી લેતા હોય છે. તો ખેડૂતોને કમોસમી વરસાદથી ખૂબ નુકશાન થયેલ હોય તો પાણીની ફારમ માફ કરી ખેડૂતોના હિતમાં ખેડૂતોની પરિસ્થિતિ ઘ્યાને લઈ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માંગ સાથે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને ખેડૂતોના હિતમાં પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. આ સાથે એક નકલ ગુજરાત નિયંત્રિત બજાર સંઘના ચેરમેન જીગ્નેશભાઇ પટેલ અને નાયબ કાર્યપાલક ઇજનેર ઇરીગેશન વિભાગને આપવામાં આવી છે.



