બેગમાં વિસ્ફોટક હોવાની આશંકાના પગલે તુરંત હાઈ-એલર્ટ કરાયું હતું, અંતે ’મોકડ્રીલ’ જાહેર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે બપોરે અચાનક એક શંકાસ્પદ બેગ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. બેગમાં વિસ્ફોટક (બોમ્બ) હોવાની આશંકાના પગલે તુરંત હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.
- Advertisement -
બેગ મળી આવવાની માહિતી મળતાની સાથે જ રાજકોટ પોલીસ, જઘૠ (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ), બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ નો મોટો કાફલો તુરંત એરપોર્ટ પર પહોંચી ગયો હતો. ઈઈંજઋ જવાનોએ તુરંત જ એરપોર્ટના તે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને મુસાફરોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.
પોલીસના ધાડેધાડા અને સશસ્ત્ર જવાનોને જોઈને એરપોર્ટ પર હાજર મુસાફરો અને કર્મચારીઓ ગભરાઈ ગયા હતા. બોમ્બ સ્ક્વોડે અત્યંત તકેદારી સાથે શંકાસ્પદ બેગની ચકાસણી હાથ ધરી હતી, જ્યારે ડોગ સ્ક્વોડે પણ આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી.
લગભગ એક કલાક સુધી ચાલેલી સઘન ચકાસણી અને બચાવ કામગીરી બાદ અંતે એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, આ સમગ્ર ઘટના મોકડ્રીલ નો એક ભાગ હતી.
એરપોર્ટ પર અકસ્માત અથવા સુરક્ષા સંબંધી કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે વિવિધ એજન્સીઓ વચ્ચેના સંકલન અને તેમની સજ્જતાની ચકાસણી કરવા માટે આ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ જાહેર થતાં જ તણાવભર્યા વાતાવરણમાં હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.



