કોન્ટ્રાક્ટરે માટીના ઢગલા હટાવતા વાહનચાલકોએ જીવના જોખમે બ્રિજનો ઉપયોગ શરૂ કર્યો; માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ચોંક્યા
ખાસ-ખબર ન્યૂઝ વાંકાનેર
- Advertisement -
વાંકાનેર શહેરના બાયપાસ રોડ પર આવેલા રાતીદેવરી રોડ પર મચ્છુ નદી ઉપરના મેજર બ્રિજમાં નુકશાની થતાં તંત્ર દ્વારા દોઢ વર્ષ પહેલાં વાહનોની અવરજવર બંધ કરી સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, દોઢ વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં રિપેરિંગ કામ પૂર્ણ ન થતાં વાહનચાલકોની ધીરજ ખૂટી પડી છે.
માર્ગ મકાન વિભાગે દુર્ઘટના ન ઘટે તે માટે બ્રિજની બંને બાજુ માટીના ઢગલા મૂકી અવરજવર અટકાવી હતી. પરંતુ, કોન્ટ્રાક્ટરે અધિકારીઓને જાણ કર્યા વગર જ આ માટીના ઢગલા ઉપાડી લેતાં વાહનચાલકોએ જીવના જોખમે બ્રિજનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે.
આ બાબતની જાણ થતાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે બ્રિજની કામગીરી હજી અંતિમ તબક્કામાં છે અને વાહનોની અવરજવર થવી જોઈએ નહીં. બ્રિજ સંપૂર્ણ રીતે પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનો ચલાવવાથી કામગીરીમાં વિક્ષેપ પડી શકે છે અને અકસ્માત સર્જાવાની ભીતિ રહેલી છે. બ્રિજ બંધ હોવાને કારણે તમામ ભારે વાહનો શહેરની મધ્યમાંથી પસાર થતા હોવાથી પ્રજાજનોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. અધિકારીઓએ તાત્કાલિક અસરથી અવરજવર બંધ કરવા અને કોન્ટ્રાક્ટર સામે વિગતો મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.



