રાજકોટ સહિતના 6 ફાયર ફાઇટરથી આગ પર કાબુ મેળવાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લાના લોધિકા પાસે સાંગણવા ગામ નજીક આવેલ શ્રીરાજ નામની ફેકટરીમાં ગત સાંજે વિકરાળ આગ ભભૂકી ઉઠતાં રાજકોટના ત્રણ અને આસપાસના શહેરમાંથી ત્રણ મળી કુલ છ ફાયર ફાઇટરો દોડી આવ્યા હતાં અને ભારે જહેમતના અંતે આગ પર કાબુ મેળવ્યો હતો આ ફેકટરીમાં પ્લાસ્ટિકની વસ્તુનું ઉત્પાદન થાય છે આ શેડ બળીને ખાખ થઇ ગયો હોવાથી મોટાપાયે નુકશાન થયું હતું જોકે બુધવારની રજા હોવાથી સદભાગ્યે મોટી જાનહાની ટળી હતી.
લોધિકાના સાંગણવા ગામે આવેલી શ્રી રાજ નામની ફેકટરીમાં ગત સાંજે પાંચ વાગ્યે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ શેડમાં લાગી હોવાથી થોડીવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગની જાણ કરાતા કોઠારીયા, મવડી અને ઇઆરસી ફાયર સ્ટેશનથી ત્રણ તથા આસપાસના નગરના ફાયર સ્ટેશનથી ત્રણ મળી કુલ 6 ફાયર ફાઇટર અહીં દોડાવી આગ બુઝાવવાની કામગીરી કરી હતી ગત સાંજે આગ લાગ્યા બાદ સતત પાણીનો મારો ચલાવી 15 કલાકની જહેમત બાદ આજે સવારે આગ પર કાબુ મેળવ્યો હતો શ્રી રાજ નામની આ ફેકટરી પરેશભાઇ વલ્લભભાઇ દેસાઇની છે. ફેકટરીમાં પ્લાસ્ટિકની ચીજ વસ્તુનુ ઉત્પાદન થાય છે ગઇકાલે બુધવારની રજા હોવાથી મોટાભાગના કર્મચારીઓ રજા પર હોવાથી સદનસીબે કોઇ જાનહાની પહોંચી ન હતી પરંતુ બળીને ખાખ થઇ જતા તેમાં મશીનરી અને રો મટીરયલ્સ સળગી જતા મોટાપાયે નુકશાન થયું હતું. આગ શોટ સર્કિટના લીધે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.



