સરદાર વલ્લભભાઈ પટેલે જે કેડી કંડારી છે તે રસ્તા પર ઉપર ચાલવાની મહેનત કરશું તો આવનાર સમયમાં શિરમોર રહેશું: પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.20
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન ’સરદાર150 યુનિટી માર્ચ’ અંતર્ગત આજે ગીર ગઢડાના ખિલાવડ ખાતેથી 97-ઉના વિધાનસભા મતવિસ્તારની ભવ્ય પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી. જેમાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
- Advertisement -
આ પદયાત્રામાં અધિકારીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. પદયાત્રાનો પ્રારંભ ખિલાવડ ગામ ખાતેથી કરવામાં આવ્યો હતો. જ્યારે પદયાત્રાની પૂર્ણાહુતિ દ્રોણ ખાતે કરવામાં આવી હતી. પદયાત્રીઓએ “એક ભારત, આત્મનિર્ભર ભારત” અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી. 97-ઉના વિધાનસભા મતવિસ્તારના ખિલાવડ ખાતેથી પદયાત્રાનો પ્રારંભ થયો હતો અને આ પદયાત્રા ઇટવાય, ફાટસર થઈ દ્રોણેશ્વર ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.



