આ લાઈબ્રેરી નહીં માત્ર, એક જીવંત વારસો છે, જે શહેરને સંસ્કારનાં અનંત અધ્યાય ભણાવે છે
1.12 લાખથી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકો અને સંદર્ભ સાહિત્યનો ખજાનો: 4893 સભ્યો, હવે અરવિંદ મણીયાર પુસ્તકાલયના નામે ઓળખાય છે
- Advertisement -
1856માં લાઈબ્રેરીનો પ્રારંભ થયો: 1864માં તેનું નામકરણ કાઠિયાવાડ પોલિટિકલ એજન્ટ વિલિયમ લેંગના નામ ઉપરથી લેંગ લાઈબ્રેરી નામ અપાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતની પ્રથમ લાઈબ્રેરી ભલે અન્યત્ર શરૂ થઈ હોય પણ બીજી લાઈબ્રેરી આજથી 169 વર્ષ પહેલા રાજકોટમાં કોઠી કમ્પાઉન્ડ ખાતેથી શરૂ થઈ હોવાનું લાઈબ્રેરીના જૂના ગ્રંથોમાંથી વિગતો મળે છે. અંગ્રેજી શાળાના એક રૂમમાં તે શરૂ થઈ અને વાયા કોઠી કમ્પાઉન્ડથી ફેરવાઈને તે કોનોટ હોલના એક ભાગમાં આવી. બાદમાં વિધિવત તેને લેંગ લાઈબેરી એવું નામ આપવામાં આવ્યું હોવાનું કહેવાયું છે. રાષ્ટ્રપિતા ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી પણ આ લાઈબેરી સાથે પ્રારંભિક કાળમાં સંકળાયેલા હતા. આજે હવે તે અરવિંદ મણીયાર પુસ્તકાલયના નામે ઓળખાય છે અને સમૃદ્ધ સાહિત્ય ભંડાર તેની પાસે ઉપલબ્ધ છે.
- Advertisement -
જયુબિલી બાગ ખાતે કુંવર કોનોટના નામે ગૌથિક શૈલીનું ભવ્ય બિલ્ડીંગ વિક્ટોરીયન આર્કિટેકચરની મદદથી કોનોટ હોલ બનાવાયો ત્યારે તેમાં લેંગ લાઈબેરી ફેરવાઈ હતી અને 1893 થી તે ત્યાં કાર્યરત છે. આજે પણ તે સૌથી જૂની લાઈબ્રેરી તરીકે રાજકોટવાસીઓમાં જાણીતી છે. લાઈબ્રેરીના સૂત્રોના જણાવાયા પ્રમાણે 1856માં લાઈબ્રેરીનો પ્રારંભ થયો અને તે 1864માં તેનું નામકરણ તત્કાલીન કાઠીયાવાડ પોલિટીકલ એજન્ટ વિલિયમ લેંગના નામ ઉપરથી લેંગ લાઈબ્રેરી એવું નામ આપવામાં આવ્યું હતું. વિલિયમ લેંગ દ્વારા લોકો વાંચતા થાય અને સાહિત્ય જાણે તેવી પ્રવૃતિના ભાગરૂપે લાઈબ્રેરી શરૂ કરવામાં આવી હતી જે આજે પણ કાર્યરત છે અને લોકોની જ્ઞાનની તરસને છીપાવે છે.
શહેરની મધ્યમાં આવેલ લેંગ લાઈબ્રેરીની વિશેષતા કંઈક અલગ છે. આજે સોશિયલ મીડિયાના જમાનામાં પણ તે પુસ્તક પ્રેમીઓને આકર્ષી રહી છે. 1.12 લાખથી વધુ પુસ્તકોનો સંગ્રહ આ ગ્રંથાલયમાં છે અને તેમાંથી 30 હજાર જેટલા નવલકથા અને વાર્તા સંગ્રહને લગતા છે.
હાલ તેનું સંચાલન અરવિંદભાઈ મણીયાર જન કલ્યાણ ટ્રસ્ટના નેજા તળે કરવામાં આવી રહયું છે અને દર વર્ષે નવા નવા પુસ્તકો વસાવીને લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. નવલકથા, લઘુ નવલ, ટૂંકી વાર્તા, નાટયસંગ્રહ, કાવ્યસંગ્રહ, નિબંધ સંગ્રહ, લિલત કલાને લગતા પુસ્કતો વાંચવા માટે આજે પણ લોકો લેંગ લાઈબેરીમાં આવતા રહે છે.
લાઈબ્રેરીમાં 5000થી વધુ સંદર્ભ ગ્રંથો
લાઈબ્રેરીનો સંદર્ભ સાહિત્ય ભંડાર સમૃદ્ધ છે અને તેમાં 5165 સંદર્ભ પુસ્તક સચવાયેલા છે જે જીજ્ઞાસુઓને જરૂરી વિગતો આપવા સાથે સંશોધકોને પણ મદદ કરે છે. આ ઉપરાંત ગાંધી સાહિત્ય, જૈન સાહિત્ય. શુદ્ધ વિજ્ઞાન, જીવન ચરિત્રોનો પુસ્તક વારસો પણ સચવાયેલો છે.આજે પણ સંશોધકોને ન મળતા પુસ્તકો લેંગ લાઈબ્રેરીમાંથી મળી રહે છે. દરરોજ 500થી વધુ વાંચનાલયની મુલાકાત લેતા હોવાનું જાણવા મળે છે. અખબાર, મેગેઝિન પણ રોજેરોજ વાચવા આવનારાઓ છે. સભ્યો નથી તેવા લોકો પણ અખબારો અને મેગેજીનો વાચી શકે છે. સદસ્યો માટે પુસ્તક સેવા નજીવી નોંધણી ફીથી મળી રહે છે.



