વંશપરંપરાગત વ્યવસાયમાં અનોખું હુનર ઉમેર્યું: 7 કિલોગ્રામ સુધીના પથ્થરની આકૃતિઓ તરે છે: લિમ્કા બુકમાં સ્થાન મળ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરના ભાર્ગવી સોસાયટી ખાતે રહેતા 60 વર્ષીય શિલ્પકાર વિજય સોમપુરાએ પોતાની આગવી સૂઝબૂઝ અને અથાગ મહેનતથી એક અનોખું હુનર પ્રાપ્ત કર્યું છે, જેમાં તેમના દ્વારા પથ્થરમાંથી કંડારાયેલી આકૃતિઓ પાણીમાં તરતી જોવા મળે છે.
વર્ષોથી પોતાના વંશપરંપરાગત પથ્થર પર શિલ્પકલાનું કામ કરતા વિજયભાઈ સોમપુરાને વિચાર આવ્યો કે, જો સત્યયુગમાં પ્રભુ શ્રી રામના હસ્તે પથ્થર પાણીમાં તરતો મુકાયો હોય તો આ આધુનિક યુગમાં વિજ્ઞાનની મદદથી આ કેમ સંભવ ન બની શકે? આ પ્રેરણાથી તેમણે સતત બે વર્ષ સુધીની જહેમત ઉઠાવી અને પોતાની શિલ્પકારીની મદદથી પથ્થર પર જુદી જુદી આકૃતિઓ તૈયાર કરી તેને પાણીમાં તરતી મૂકવામાં સફળતા મેળવી.
શરૂઆતમાં તેમણે આશરે 300 ગ્રામ વજનના પથ્થરનો કાચબો તૈયાર કરી પાણીમાં તરતો મૂક્યો, જેમાં સફળતા મળ્યા બાદ ધીરેધીરે આકૃતિઓનો આકાર અને વજન વધાર્યો. હાલ તેઓ પથ્થરમાંથી મગર, બતક તથા 7 કિલોગ્રામ વજનનો કાચબો સહિતની આકૃતિઓ બનાવી પાણીમાં તરતી મૂકી શકે છે. વિજયભાઈએ જણાવ્યું હતું કે, આ કોઈ અલૌકિક શક્તિના લીધે નહીં પરંતુ વિજ્ઞાનના કેટલાક તારણો સાથે શક્ય બન્યું છે. તેમના આ અનોખા હુનરને કારણે તેમને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે. હાલ તેઓ પથ્થરમાંથી બનાવેલી તરતી આકૃતિઓનું વેચાણ કરે છે, જેને ખરીદવા માટે દેશ અને વિદેશના લોકો પણ ધ્રાંગધ્રા આવે છે. વિજયભાઈએ એક જ પ્રથાથી ચાલતા ધંધામાં નવીનતમ પ્રયોગ કરી એક નવી દિશા ખોલી આપી છે.



