એક ખેડૂત હતો. એણે પોતાના કૂતરાને ખૂબ સારી તાલીમ આપીને પાણી પર ચાલતા શીખવ્યું. ખેડૂતે વિચાર્યું કે, ‘મારા કૂતરાની આ અનોખી આવડતને દુનિયા સમક્ષ ઉજાગર કરું.’ એણે પોતાના એક મિત્રને કહ્યું, તું તારો વીડિયો કેમેરા લઈને આવ. આજે મારે તને મારા કૂતરાની એક વિશેષતા બતાવવી છે, અને તારે એનું શૂટિંગ કરવાનું છે. પેલો મિત્ર પોતાનો વીડિયો કેમેરા લઈને આવ્યો. ખેડૂત પોતાના કૂતરાને અને મિત્રને લઈને નદી કાંઠે ગયો. દૂર નદીમાં એક દડો ફેંક્યો અને પછી મિત્રને કહ્યું, હવે તું શૂટિંગ કર અને મારા આ કૂતરાની વિશેષતા જો. પેલા કૂતરાને ખેડૂતે દડો લાવવા માટે આદેશ કર્યો એટલે કૂતરો તો પાણી પર ચાલતા ચાલતા દડા સુધી ગયો અને મોઢામાં દડો પકડીને પાણી પર ચાલતા-ચાલતા જ પાછો આવ્યો. આ સમગ્ર ઘટના દરમિયાન પેલો ખેડૂત એના મિત્ર સામે જોઈ રહ્યો. પરંતુ મિત્રના ચહેરા પર કોઈ આશ્ચર્ય ન દેખાયું એટલે એનાથી ન રહેવાયું. એણે પોતાના મિત્રને પૂછ્યું, દોસ્ત, તને મારા કૂતરાની કોઈ વિશેષતા દેખાઈ કે નહીં ?
મિત્રે ખેડૂતને જવાબ આપ્યો, હા દેખાઈ ને.
ખેડૂતે પૂછ્યું, શું જોયું ?
પેલા મિત્રને જવાબ આપ્યો, મેં જોયું કે તારા કૂતરાને તરતા આવડતું નથી !
આપણે આવું જ કરીએ છીએ. સામેવાળાને જે બતાવવું છે તે નહીં, આપણે જોવું છે તે જ આપણે જોઈએ છીએ; અને પરિણામે ગેરસમજણ ઊભી થાય છે જે સંબંધોને કોરી ખાય છે.
દેનારો તો દે બે નયનો જ માત્ર,
શું દેખવું તે કથવા ન પાત્ર.
આપણા શરીરની અને મનની આંખથી શું જોવું એ આપણે જ નક્કી કરવાનું છે.
વર્તુળની બહાર વિચારવાને બદલે વર્તુળની બહાર જ થઈ જાવ
– દીપક ચોપરા



