ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્રકારત્વ સાથે સંકળાયેલા કર્મીઓ માટે ’ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા’ કેમ્પેઇન શરુ કરાવ્યું છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સતત બીજા વર્ષે મીડિયા કર્મીઓ માટે ગુજરાત ભરમાં હેલ્થ ચેકઅપ કેમ્પના આયોજન હાથ ધરવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યના માહિતી ખાતા અને ગુજરાત રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ’ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા’ અભિયાન અન્વયે રાજકોટ ખાતે આયોજિત બે-દિવસીય હેલ્થ ચેકઅપ કેમ્પના પ્રથમ દિવસે 50 થી વધુ પત્રકારોએ બ્લડ રીપોર્ટ, એક્સ-રે, ડેન્ટલ તેમજ ઈ.સી.જી. સહિતના વિવિધ રીપોર્ટ્સ કરાવી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દર્શાવી છે.
સવારે 8 કલાકે પ્રારંભ થયેલા કેમ્પમાં રેડક્રોસ દ્વારા સુંદર આયોજન વચ્ચે બ્લડ સેમ્પલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, લીવર, લિપિડ પ્રોફાઈલ, કિડની, સાંધા માટે, હાડકા માટે, થાઇરોઈડ, બી-12, વિટામિન ડી, ત્રણ મહિનાનું સરેરાશ સુગર સહિતના રીપોર્ટ સામેલ છે.
- Advertisement -
જ્યારે 35 કે તેથી વધુ વર્ષની ઉંમરના પત્રકારો માં ટે ઇ.સી.જી. અને એક્સ-રે રીપોર્ટ કરી આપવામાં આવ્યા હતાં. હજુ આવતી કાલ તા. 15 નવેમ્બરના રોજ સવારે 8 થી 11 કલાક દરમ્યાન બાકી રહી ગયેલા મીડિયાકર્મીઓ માટે આ કેમ્પ ચાલુ રહેશે.



