ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.14
મોરબી જિલ્લાની આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં એક મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. જિલ્લાના હરબટીયાળી અને ઝિંકિયાળી ખાતેના આયુષ્માન આરોગ્ય મંદિરોને નિયત 12 ગુણવત્તાસભર સેવાઓ માટે ભારત સરકારનું રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. હરબટીયાળી કેન્દ્રને 88.80 ટકા અને ઝિંકિયાળી કેન્દ્રને 87.19 ટકા ગુણવત્તા સ્કોર સાથે આ પ્રમાણપત્ર એનાયત કરાયું છે.
કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય ચકાસણી, માતૃત્વ અને બાળ આરોગ્ય સેવાઓ, કુપોષણ નિવારણ, ચેપી-બિનચેપી રોગોનું નિદાન, માનસિક આરોગ્ય માર્ગદર્શન અને ઇમરજન્સી સેવાઓ સહિતના તમામ 12 માપદંડોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ સિદ્ધિ કેન્દ્રોના સારા મેનેજમેન્ટ, સુસજ્જ સુવિધાઓ અને સમર્પિત આરોગ્ય કર્મચારીઓની મહેનતનું પરિણામ છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવલદાન ગઢવી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી.કે. શ્રીવાસ્તવ સહિતના અધિકારીઓએ બંને આરોગ્ય મંદિરના તમામ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં વધુ કેન્દ્રોને રાષ્ટ્રીય પ્રમાણપત્રો મળે તે માટે કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું.



