ઓર્ગેનાઈઝ્ડ ગેન્ગ ચલાવતાં ભૂપત સામે ન્યાય માંગવા ઠેઠ હાઈકોર્ટ જવું પડે એ ઘટના જ શરમજનક
ભૂપત બાબુતર ઉર્ફે ભૂપત ભરવાડ વિરૂદ્ધ ઢગલાબંધ ગુનાઓ નોંધાયા છે. ઈન્ડ્યિન પિનલ કોડની બહુ ઓછી એવી કલમ હશે જે તેની સામે નોંધાઈ ન હોય. પણ પોલીસનાં ત્રાજવા-કાટલાં દરેક ગુનેગારોની બાબતમાં અલગ હોય છે. ક્યારેક તો દેશી દારૂમાં પકડાયેલાંને પણ ‘પાસા’માં ધકેલી દે અને ભૂપત જેવા કિસ્સામાં ગંભીર ગુનાઓની ફ્ફિટી ફટકારી દીધી હોય તો પણ મોજથી એ રખડતો હોય.
- Advertisement -
સ્થાનિક પોલીસ વામણી પૂરવાર થતાં અરજદારે નાછુટકે હાઈકોર્ટનો આશરો લેવો પડ્યો
પિટિશનરે ભૂપત બાબુતર અને તેની ગેંગનાં કૂકર્મો- ગુનાઓનું લાંબુલચ્ચક લિસ્ટ આપ્યું
આવી જ બેધારી નીતિથી કંટાળીને રાજકોટનાં એક યુવાને ભૂપત બાબુતર ઉર્ફે ભૂપત ભરવાડ વિરૂદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન કરી છે. બંધારણનાં આર્ટિકલ 226, ક્રિમિનલ પ્રોસીજર કોડ 482, અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ + ગુજકોકા (જે હવે ‘ગુજસિટોક’નાં નામે ઓળખાય છે.) અંતર્ગત સ્ટેટ ઑફ ગુજરાત, ગૃહ મંત્રાલય, રાજ્ય પોલીસ વડા, રાજકોટ પોલીસ કમિશનર અને એ.સી.પી.- ક્રાઈમ વિરૂદ્ધ થયેલી આ પિટિશનમાં ભૂપત બાબુતર વિરૂદ્ધ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમનો ગુનો નોંધી ગુજકોક (હવે ગુજસિટોક)નો કોરડો વિંઝવા અરજદારે હાઈકોર્ટ સમક્ષ માંગણી કરી છે.
પિટિશનની સાથે પિટિશનરે ભૂપત બાબુતર અને તેની ગેંગનાં કૂકર્મો- ગુનાઓનું લાંબુલચ્ચક લિસ્ટ પણ આપ્યું છે અને તેનો પુરાવો આપતાં દસ્તાવેજો પણ જોડ્યા છે.
પિટિશનમાં જણાવાયું છે કે, ‘ભૂપત ભરવાડ અને તેનાં સાગરીતો નિર્દોષ લોકોની સ્થાવર મિલકતો પચાવી પાડવાની કુટેવ ધરાવે છે. આર્થિક ગુનાઓ, ખંડણી, પેશકદમી, સુપારી લઈને કોઈની હત્યા કરવી- કોન્ટ્રાક્ટ કિલિંગ, લોકોમાં ફડક અને ભય પેસી જાય તેવાં કૃત્યો કરવા, લોકોમાં ડર ફેલાવવા હથિયારો- ફાયર આર્મ્સનો ઉપયોગ કરવો, લોકોને ડરાવીને, ધમકાવીને નાણાં બનાવવા, એ તેમનું કામ છે. ભૂપત વિરમભાઈ બાબુતર અને તેનાં સાગરીતો છેલ્લાં બે દાયકાથી પણ વધુ સમયથી ગુનાખોરીની કૂપ્રવૃત્તિઓ આચરી રહ્યાં છે. તેમનાં કારણે અનેક લોકોએ પોતાનાં જીવ, પૈસા, સ્ટેટસ ગૂમાવવા પડ્યા છે અને કાયદામાંથી તેમની શ્રદ્ધા ડગમગી ગઈ છે!’
- Advertisement -
લગભગ 45 પાનાંની આ અરજીમાં અર્ધા કરતાં વધુ પાનાં તો ભૂપત ભરવાડની ક્રાઈમ કુંડળીની વિગતોથી છલોછલ છે. પિટિશનમાં જણાવાયું છે કે, ‘ભૂપત સામે જે પ્રકારનાં ગુના નોંધાયા છે તે જોતાં તેનાં વિરૂદ્ધ ‘ઓર્ગેનાઈઝ્ડ ગેંગની ધારા લાગવી જોઈએ. ભૂપત અને તેનાં સાગરીતોએ આર્થિક છેતરપિંડી દ્વારા પણ અનેક લોકોને લૂંટ્યા છે, તેની ગેંગ દ્વારા જુગારનું નેટવર્ક પણ ચાલે છે. તેનાં પરિવારનાં સભ્યો પણ તેનાં આ કાળા કારનામામાં સામેલ છે!’
અરજદારે હાઈકોર્ટ સુધી શા માટે જવું પડ્યું? શું સ્થાનિક પોલીસમાં દમ નથી?
અરજદારે પોતાની પિટિશનમાં જણાવ્યું છે કે, ભૂપત ભરવાડ વિરૂદ્ધ પગલાં લેવા બાબતે ક્રાઈમ બ્રાન્ચે શરૂઆતમાં જબરદસ્ત સખ્તાઈ દાખવી હતી, પરંતુ કાર્યવાહી આગળ વધતી ગઈ તેમ પોલીસ ઢીલી પડતી ગઈ, કારણ કે ભૂપત ભરવાડને બહુ મોટાં માથાઓની હૂંફ છે! સવાલ એ છે કે, આ મોટાં માથાં કોણ છે? ગયા વર્ષે તેની સામે મિલકતો પચાવી પાડવાની ફરિયાદ હતી ત્યારે તમામ જાણકારો એવું માનતાં હતાં કે તેની વિરૂદ્ધ ‘ગુજસિટોક’ થશે. કહેવાય છે કે, ખુદ ભૂપત પણ ‘પાસા’માં જવા તૈયાર હતો- જેથી ‘ગુજસિટોક’થી બચી શકાય. પણ, પછી એવું તો શું રંધાઈ ગયું કે તેને પાસા, ગુજસિટોક… કશું જ ન થયું અને ફરી વખત ચમનીયાં કરવા માંડ્યો?
PI વિરલ ગઢવીએ છપ્પનની છાતી દેખાડી, હવે ઊચ્ચ અધિકારીઓ છન્નુંની છાતી દેખાડશે?
ભૂપત ભરવાડ ઓર્ગેનાઈઝ્ડ ગેંગ ચલાવે છે એ વાત જગજાહેર છે. ખંડણી, સટ્ટો, મારામારી, ફાયરિંગ, લેન્ડ ગ્રેબિંગ, ધમકી… કોઈ એવો ગંભીર ગુનો નથી- જેમાં તેની ગેંગ નબળી હોય. ગુજસિટોક માટે આવો આદર્શ કેસ હોવા છતાં તેને એ કાયદામાં કેમ ફિટ કરાતો નથી? ભૂપત પર આટલી મહેરબાનીનું કારણ છેવટે શું છે? ભૂતકાળમાં તેણે અનેક પોલીસ અધિકારીઓને સાચવ્યા હોવાની ચર્ચા છે. તેની ઑફિસ પર દરોડો કરીને ક્રાઈમ બ્રાન્ચનાં પી.આઈ. વિરલ ગઢવીએ તો છપ્પનની છાતી દેખાડી છે. સવાલ એ છે કે, શું હવે ઊચ્ચ અધિકારીઓ તેનાં પર ગુજસિટોક કરીને છન્નુંની છાતી દેખાડી શકશે?