ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ રેન્જ આઇજી નીલેશ જાંજડીયાની સૂચના અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવાની સૂચના મળતા ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ કે.એમ.પટેલ, પીએસઆઈ પી.કે.ગઢવી અને તેમની ટીમને મળેલી હકીકતના આધારે શહેરના દોલતપરાના કિરીટનગરમાંથી કાઈમ બ્રાન્ચે લાખનો દારૂ ભરેલ કાર પકડી પાડી હતી. પરંતુ 4 બુટલેગર ફરાર થઇ ગયા હતા અને 11 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ તપાસ હાથ ધરી હતી.
- Advertisement -
શહેરમાં ગિરનાર દરવાજા પાસે રહેતો રમેશ ઉર્ફે રોકી ભારાઈ, સુનિલ ભારાઈ, મધુરમ વિસ્તારનો કરણ ઉર્ફે કલીયો અને માણાવદરનો લખન ઇચ્છુડા નામના શખ્સો દોલતપરાના કિરીટનગરમાં ગ્રે કલરની જીજે 03 કેસી 1551 નંબરની કારમાં ઇંગ્લિશ દારૂની હેરફેર કરતા હોવાની બાતમી બુધવારે વહેલી સવારે મળતા જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે રેઈડ પાડી હતી. કાર્યવાહીમાં સ્થળ પરથી ચારમાંથી કોઈ શખ્સ મળી આવેલ નહીં પરંતુ કારમાંથી રૂપિયા 6,01,200ની કિંમતના ઇંગ્લિશ દારૂની 1968 બોટલ અને આઈ ફોન મળી આવ્યો હતો. એલસીબીએ દારૂ, કાર, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 11,31,200નો મુદ્દામાલ કબ્જે કરી ચારેય બુટલેગર સામે કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ આદરી હતી.



