એક વર્ષથી પથારીવશ દર્દી માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ બની આશીર્વાદ સમાન
આર્થિક સંકટ વચ્ચે ખાનગીમાં થતું 8થી 10 લાખનું ઓપરેશન સિવિલમાં નિ:શુલ્ક થયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના મોરબી રોડ જકાતનાકા નજીક રહેતા જયેશભાઇ ચંદુભાઇ કેરાડિયા છેલ્લા એક વર્ષથી પથારીવશ હતા. માર્કેટ યાર્ડમાં શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા જયેશભાઇ અચાનક ચાલવા અસમર્થ બન્યા બાદ એમઆરઆઇમાં ખુલ્યું કે તેમની નસ ખેચાઇ ગઇ હોવાથી ગોળો બદલવો જરૂરી હતો. ખાનગી હોસ્પિટલમાં આ સર્જરી માટે 8થી 10 લાખ રૂપિયાનો ખર્ચ થાય જે શક્ય ન હતો. આ મુશ્કેલીની ઘડીએ જયેશભાઇના એક મિત્રે સિવિલ હોસ્પિટલના સિક્યુરીટી ઇન્ચાર્જ એ.ડી. જાડેજાને માહિતી આપી. ફરજ સાથે માનવતાનો ભાવ રાખનારા જાડેજાએ તરત જ દર્દીની મદદ હાથ ધરી. તેઓ જયેશભાઇને પોતે ડોક્ટર પાસે લઈ ગયા, લોહીની વ્યવસ્થા કરી આપી અને તમામ રીપોર્ટ કરાવ્યા. પછી દર્દીને સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના વડા ડો. પારસ મોટવાણી પાસે લઈ જવામાં આવ્યા. ડો. મોટવાણીએ તપાસ બાદ જણાવ્યું કે ઓપરેશન અનિવાર્ય છે પરંતુ સરકારની યોજના અંતર્ગત આ સર્જરી નિ:શુલ્ક થશે. જરૂરી સાધનો મંગાવીને આશરે 15 દિવસ બાદ સફળ ઓપરેશન કરવામાં આવ્યું. આજથી થોડા મહિના પહેલાં જે જયેશભાઇ ચાલી શકતા ન હતા, તે આજે સ્વસ્થ રીતે પોતાના પગે ચાલે છે. તેમણે ડો. પારસ મોટવાણી અને સિક્યુરીટી ઇન્ચાર્જ એ.ડી. જાડેજાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં કહ્યું કે માનવતા આજે પણ જીવંત છે, સિવિલ હોસ્પિટલમાં મને નવી જિંદગી મળી છે.
ડૉ. પારસ મોટવાણી અને તેની ટીમે ઓપરેશન સફળતાપૂર્વક કરી દર્દી જયેશભાઇને પીડા મુક્ત કર્યા
ફરજની સાથે માનવતા : સિવિલના સિક્યુરીટી ઇન્ચાર્જ એ.ડી.જાડેજા દર્દીની તપાસથી લઇ ઓપરેશન સુધી સાથે રહ્યા
દર્દી જયેશભાઇ જ્યારે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે કેસ કઢાવવો, ડોક્ટર પાસે તપાસમાં જવું, જરૂરી રીપોર્ટ કરાવવા, ઝડપથી ઓપરેશન થાય તે માટેની તમામ પ્રક્રીયામાં મંજૂરી સુધીની કામગીરીમાં સાથે રહ્યા. આમ ફરજની સાથે માનવતા દાખવી સિવિલના સિક્યુરીટી ઇન્ચાર્જ એ.ડી.જાડેજા અને તેની ટીમે દર્દીની સેવા કરી હતી.
- Advertisement -
માનવતા આજે પણ જીવંત છે, સિવિલ હોસ્પિટલમાં મને નવી જિંદગી મળી : દર્દી જયેશભાઇ
હું છેલ્લા એક વર્ષથી પથારીવશ હતો હું કોઇપણ સહારા વિના હાલી ચાલી શક્તો ન હતો ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયો જ્યાં મને ઓપરેશન કરાવવાનું જણાવ્યુ. સિક્યુરીટી ઇન્ચાર્જ એ.ડી.જાડેજાની મદદ અને ડોક્ટરના સહકારથી સફળ સર્જરી કરવામાં આવી અને મને નવું જીવન મળ્યુ. આજે હું કોઇપણ સહારા વિના ચાલી શકુ છું.



