વનાળાથી નાગણેશ સુધીનો 23 કિમી રોડ 30.34 કરોડના ખર્ચે પુન:નિર્માણાધીન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા ગ્રામ્ય માર્ગોના નવીનીકરણનું કાર્ય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગોના સમારકામ માટે ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે, જેનાથી ગ્રામજનોને ટૂંક સમયમાં જ નવા માર્ગોની સુવિધા પ્રાપ્ત થશે.
વનાળા, કંથારીયા, છલાળા, જોબાળા અને નાગણેશ ગામોને જોડતા મુખ્ય માર્ગનું અંદાજિત ₹30.34 કરોડના ખર્ચે નવીનીકરણ કરાઈ રહ્યું છે. આ નવીનીકરણ વનાળા-કંથારીયા-છલાળા-જોબાળા-નાગણેશ-રાણપુર રોડના કિલોમીટર 0/0 થી 23/0 ના ભાગ પર કરવામાં આવી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ હેઠળ ’રીસરફેસીંગ, સ્ટ્રેધનીંગ (મજબૂતીકરણ), સ્ટ્રક્ચર એન્ડ વિલેજ પોર્સન સી.સી. રોડ (ગામના ભાગમાં સિમેન્ટ કોન્ક્રીટ રોડ), અને ફર્નીચર વર્ક’ સહિતની વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માર્ગનું નવીનીકરણ પૂર્ણ થવાના પરિણામે, વનાળા, કંથારીયા, છલાળા, જોબાળા અને નાગણેશ સહિત આસપાસના તમામ ગામોના રહેવાસીઓને પરિવહનમાં મોટી સરળતા રહેશે. ખાસ કરીને, ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનોને ઝડપથી બજાર સુધી પહોંચાડી શકશે, જેનાથી તેમનો સમય અને શ્રમ બચશે અને તેમને આર્થિક ફાયદો થશે. શાળાએ જતા વિદ્યાર્થીઓ અને અન્ય જરૂરી કામકાજ માટે અવર-જવર કરતાં નાગરિકોને પણ સુગમતા મળશે.
પ્રગતિમાં રહેલી કામગીરી
હાલમાં, કુલ 22 કિલોમીટર જેટલા ભાગમાં મેટલ કામ અને વેટમીક્ષના લેયર દ્વારા સ્ટ્રેધનીંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. 16 કિલોમીટર જેટલા ભાગમાં ડી.બી.એમ. (ડેન્સ બીટુમિનસ મકાડમ) અને અંદાજિત 6 કિલોમીટર જેટલા ભાગમાં બી.સી. (બીટુમિનસ કોન્ક્રીટ)ની કામગીરી પણ પૂર્ણ થઈ છે. સ્ટ્રક્ચરની તેમજ રીટેઈનીંગ વોલ બનાવવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.



