જામીન શરતનો ભંગ કરીને ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યાનું સાબિત થતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કાર્યવાહી કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
- Advertisement -
લોક સાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીઓ વધી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ચાંગોદર પોલીસ મથકે નોંધાયેલા છેતરપિંડી અને ધમકીના કેસમાં અગાઉ મંજૂર કરેલા તેમના આગોતરા જામીન રદ કરી દીધા છે. કોર્ટે દેવાયત ખવડને આગામી 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ સમક્ષ સરેન્ડર થવાનો હુકમ કર્યો છે.
આ કેસ ફરિયાદી ભગવતસિંહ ચૌહાણ દ્વારા ચાંગોદર પોલીસ મથકે દેવાયત ખવડ સામે નોંધાવવામાં આવ્યો હતો. આ ફરિયાદના આધારે ધરપકડ ટાળવા માટે દેવાયત ખવડે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જેને માર્ચ મહિનામાં કોર્ટે કેટલીક શરતો સાથે ગ્રાહ્ય રાખી હતી.
જામીન અરજી ગ્રાહ્ય રાખતી વખતે કોર્ટે મુખ્ય શરત મૂકી હતી કે દેવાયત ખવડે કોઈ પણ ક્રિમિનલ કેસમાં સંડોવાવું નહીં. જોકે, ત્યારબાદ તાલાલામાં દેવાયત ખવડે ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કરતા, તેમના આગોતરા જામીન રદ કરવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આરોપી તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, એક વખત જામીન અપાયા પછી અસામાન્ય સંજોગો સિવાય જામીન રદ કરી શકાય નહીં. જોકે, કોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ આગોતરા જામીન પર છૂટ્યા બાદ પણ ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કર્યો છે, તેને મારી નાખવાની કોશિશ કરી છે અને ધમકી આપીને જામીનની શરતોનો ભંગ કર્યો છે. આ સંદર્ભે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હોવાથી કોર્ટે જામીન રદ કરવાની અરજી ગ્રાહ્ય રાખી હતી. ચાંગોદરમાં નોંધાયેલી મૂળ ફરિયાદમાં ફરિયાદી ભગવતસિંહ ચૌહાણે લખાવ્યું હતું કે, 20 ફેબ્રુઆરી, 2025ના રોજ તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે લોક સાહિત્યકાર દેવાયત ખવડની એપોઇન્ટમેન્ટ ₹8 લાખમાં નક્કી કરવામાં આવી હતી. ફરિયાદીના ભત્રીજાએ રોકડા ₹8 લાખ દેવાયત ખવડને આપ્યા હતા.
- Advertisement -
જોકે, દેવાયત ખવડ ડાયરામાં હાજર થયા નહોતા, જેનાથી ફરિયાદી સાથે છેતરપિંડી થઈ હતી. ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, દેવાયત ખવડ આવવાના હોવાથી અનેક જગ્યાએ બેનરો લગાવ્યા હતા અને સ્ટેજ પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હતો.
દેવાયત ખવડે કાર્યક્રમ પહેલા ફાર્મ હાઉસ ઉપર ભોજન પણ લીધું હતું અને પ્રોગ્રામની જગ્યા પણ જોઈ હતી, છતાં પ્રોગ્રામની રાત્રે 11:30 કલાક સુધી તેઓ આવ્યા નહોતા. તેમનો અને તેમના ઙઅનો ફોન પણ બંધ આવતો હતો. આખરે રાત્રે 3 વાગે ફરિયાદી ઉપર દેવાયત ખવડનો સામેથી ફોન આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાર્યક્રમનો સમય વીતી ચૂક્યો હતો. વળી, ફોન ઉપર ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. હવે કોર્ટના આદેશ મુજબ દેવાયત ખવડે 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ સમક્ષ સરેન્ડર થવું પડશે.



