ચાર દિવસથી દુર્ગંધયુક્ત પાણી આવવાની ફરિયાદ બાદ ગંભીર ઘટના: સરપંચે તાત્કાલિક લાઇન બંધ કરાવી, ઉચ્ચસ્તરીય તપાસની માંગ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.11
- Advertisement -
મોરબી નજીક આવેલા રાજપર ગામે પીવાના પાણીની પાઇપ લાઇનમાંથી અચાનક મૃત હાલતમાં માછલાઓ નીકળતા ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો છે. છેલ્લા ચાર દિવસથી ગામમાં પાણીની લાઇનમાંથી દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાની ફરિયાદ હતી, પરંતુ આજે મૃત માછલાં બહાર આવતાં ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતા. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને ગામમાં રોગચાળો ન ફેલાય તે માટે સરપંચ સહિતની ટીમે તાત્કાલિક પગલાં લઈ પીવાના પાણીની પાઇપલાઇન બંધ કરી દીધી હતી.
રાજપર ગામના સરપંચ ભરતભાઈ મારવણીયાએ જણાવ્યું હતું કે, ગામમાં હીરાપર પાણીની લાઇનમાંથી શનાળા-વિરપર કનેક્ટ થઈને નર્મદાનું પાણી અપાય છે. છેલ્લા ચાર દિવસથી પાણીમાં ગંધ આવતી હતી, પણ આજે તો હદ થઈ ગઈ. લાઇનમાંથી મૃત માછલાં બહાર આવતાં લાઇન બંધ કરી દેવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે ગામના પાણીના વિશાળ ટાંકાની પણ સાફસફાઈ કરાવી દેવામાં આવી છે. ગામના નાગરિકો હેરશભાઈ રંગપરિયા અને મનોજભાઈ અંધારાએ આ મૃત માછલાં નીકળવાની ઘટનાની તટસ્થ તપાસ થવી જોઈએ અને જે કોઈ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી છે. અનિલભાઈ કોટડીયાએ જણાવ્યું હતું કે, આવું ગંદકીયુક્ત દુર્ગંધવાળું પાણી પીવામાં ઉપયોગમાં લેવાય તો ભયંકર રોગચાળો ફાટી નીકળે તેમ છે, આથી આ સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ થવી જરૂરી છે.



