બેંગકોકનો શખ્સ મહિલાઓ મારફત ગાંજો ગુજરાતમાં ઘુસાડતો હતો
સમગ્ર રાજ્યમાં હાઈબ્રીડ ગાંજાની જાળ બિછાવી યુવાને બરબાદ કરવાનું કારસ્તાન ખૂલ્લું પડ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢમાં ગત તારીખ 2ના રોજ હાઈબ્રીડ ગાંજો વેચવા નીકળેલા ચાર શખ્સો 3 કિલોથી વધુ ગાંજા સાથે પકડાય ગયા બાદ એલસીબી પોલીસે તપાસ કરતા હાઈબ્રીડ ગાંજાનું આંતરરાષ્ટ્રીય રેકેટ હોવાનો પર્દાફાશ થયો હતો.વધુ એક કિલો હાઈબ્રીડ ગાંજા સાથે વડોદરા, નવસારી, અને રાજકોટની ત્રણ મહિલા સહીત આઠ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આમ હાઈબ્રીડ ગાંજા મામલે કુલ 12 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસ પૂછપરછ દરમિયાન હાઈબ્રીડ ગાંજાનું સમગ્ર નેટવર્ક બેંગકોકથી ચાલતું હોવાનું ખુલ્યું હતું. હાલ આ હાઈબ્રીડ ગાંજા મામલે પોલીસે વધુ કાર્યવાહી શરુ કરી છે. જૂનાગઢ શહેરના ઈવનગર રોડ પરથી ગત 2ના રોજ રાત્રે એલસીબી અને એસઓજી પોલીસે વોચ ગોઠવી એક કારામાંથી હાઈબ્રીડ ગાંજો વેચવા આવતા વિસાવદરના ધવલ કારુ ભરાડ, જૂનાગઢના હુસેન નાસિર તુર્ક, મુજાહીદખાન રિયાઝખાન યુસુફજય અને જહાંગીરશા રજાકશા શાહમદારને ઝડપી લીધા હતા. આ ચારેય ઉપરાંત તેને ગાંજો આપી જનાર રાજકોટની શેરબાનુ, વડોદરાના મોબાઈલ ધારક તથા જૂનાગઢના મોઇન ખંધા સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી પોલીસે કુલ રૂપિયા 1.10 કરોડનો ગાંજો કબ્જે કર્યો હતો. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ એલસીબીને તપાસ સોંપી હતી. પીઆઇ કે.એમ પટેલ સહીત તેમની ટિમ દ્વારા મુજાહિદીન રિયાઝખાન યુસુફજયની પુછપરછ કરતા તેને અન્ય શખ્સોના નામ આપ્યા હતા. મોબાઈલ નંબરના આધારે વડોદરાના ઇરફાને રાજકોટની શેરબાનુને બેંગકોક હાઈબ્રીડ ગાંજો લેવા મોકલી હતી. ત્યારબાદ તે જૂનાગઢ આવીને ચાર શખ્સોને 1.10 કરોડની કિમંતના હાઈબ્રીડ ગાંજા ત્રણ પેકેટ આપ્યા હતા, જયારે એકતેની પાસે રાખ્યું હતું. મુજાહીદખાને વધુ પોલીસને જણાવ્યું હતું કે, શેરબાનુએ તેની પાસે રાખેલું હાઈબ્રીડ ગાંજાનું પેકેટ વેચવા માટે વેરાવળના મિત્ર સોહિલ શેખને કહ્યું હતું. સોહિલ શેખે સુરત રહેતી તેની બહેન ઉજમાને વાત કરી હતી. ઉજમાએ તેના સંપર્કમાં રહેલા મિત્ર ઈરફાનને હાઈબ્રીડ ગાંજો વેંચવા વાત કરી હતી. તેણે લેવા હા પાડી હતી. સોહિલ શેખ તથા શેરબાનુ સુરત ઉજમાના ઘરે ગયા હતા અને વડોદરાનો ઈરફાન તથા તેનો મિત્ર અફઝલ અબ્દુલગફાર જાનુવાલા, તેની પત્ની હાફીઝા પટેલ, જાવીદ મીરજા અને તેની પત્ની નિલોફરે સુરત ઉજમાના ઘરે જઈ હાઈબ્રીડ ગાંજાનું પેકેટ લીધુ હતું. ઈરફાન પેકેટ લઈ તેના સસરાના ઘરે નડીયાદ ગયો હોવાની બાતમી મળતા એલસીબીની એક ટીમ નડીયાદ પહોંચી હતી, જ્યાં ઈરફાન પાસેથી 32.76 લાખની કિંમતના હાઈબ્રીડ ઈરફાન ગાંજાનું એક પેકેટ પકડી ઈરફાનની અટક કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે હાઈબ્રીડ ગાંજા મામલે જૂનાગઢના મોઈન સતાર ખંધા, વેરાવળના સાહિલ દાદા શેખ, – રાજકોટની શેબાનુ મહમદરફીક નાગાણી, વડોદરાના તાંદલજા વિસ્તારના ઈરફાનખાન પઠાણ, મુળ વેરાવળના અને હાલ નવસારી રહેતા જાવિદ અલીમહમદ મીરજા, વડોદરાના અફઝલ અબ્દુલગફાર મેમણ, વડોદરાની હાફીઝા યુસુફ વોરા અને નવસારીની નિલોફર અયુબ વોરાની ધરપકડ કરી છે.
કેરીયર્સ તથા બેંગલુરુના એજન્ટને બેંગકોકનો નેટવર્ક ઓપરેટર તમામ સુવિધા આપતો હતો
- Advertisement -
મુખ્ય આરોપી ઈરફાનની પૂછપરછ કરતાં તેણે હાઈબ્રીડ ગાંજાનું આંતરરાષ્ટ્રીય રેકેટ બેંગર્કોકના હબીબી નામના શખ્સ દ્વારા ચલાવવામાં આવતું હોવાની અને તેના ભારત ખાતેના બેંગ્લોર રહેતા એજન્ટ અનુપ ઉર્ફે રવુ કેરીયર તરીકે મહિલાઓને અને અન્ય શખ્સોને બેંગકોક મોકલી હાઈબ્રીડ ગાંજો મંગાવતો હતો. એસપીએ જણાવ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય રેકેટમાં બેંગકોકના હબીબી અને બેંગ્લોરના અનુપ ઉર્ફે રવને પકડવાના બાકી છે, જૈને સકંજામાં લેવા તપાસ ચાલી રહી છે. બેંગકોકનો હબીબી નામનો શખ્સ ભારતમાંથી બેંગ્લોરના અનુપ ઉર્ફે રવુ મારફત જે એજન્ટ કે કેરીયર બેંગકોક જતા તેને હબીબી રહેવા જમવા સહિતની સુવિધા અને હાઈબ્રીડ ગાંજાના પેકેટ તૈયાર કરી આપતો હતો. બેંગકોકથી હવાઈ માર્ગે આ રીતે હાઈબ્રીડ ગાંજાનું રેકેટ ચલાવવામાં આવતું હતું. હજુ આમાં વધુ એજન્ટ અને કેરીયરની સંડોવણી ખુલે તેવી સંભાવના છે.



