મુખ્યમંત્રી નીતિશ કુમારના મંત્રીમંડળ માટે આ તબક્કો નિર્ણાયક છે, કારણ કે તેમની સરકારના 12 મંત્રીઓ રેસમાં છે.
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 122 બેઠકનું મતદાન આજે શરૂ થઇ ગયું છે. આ મતદાનમાં 3.70 કરોડ મતદાતાઓ નીતિશકુમારની સરકારના અડધા ડઝન મંત્રીઓ સહિત કુલ 1302 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરેરિયા અને કિશનગંજ સહિત 11 જિલ્લામાં મતદાન થશે. બધા વિસ્તાર નેપાળની સાથે સરહદ ધરાવતા ક્ષેત્ર છે.
- Advertisement -
અરરિયામાં મતદાન મથક પર ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે અથડામણ
અરરિયાના ફારબિસગંજમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે અથડામણ થઈ. પરિસ્થિતિ વધુ વણસી રહી હતી જેના કારણે સુરક્ષા કર્મચારીઓએ બળપ્રયોગ કરવો પડ્યો. આ ઘટના ફારબિસગંજ કોલેજના બૂથ નંબર 198 પર બની હતી. કોંગ્રેસના સમર્થકોનો આરોપ છે કે ભાજપના ધારાસભ્ય અને NDA ઉમેદવારે કોંગ્રેસના મતદારોને માર મારવાની હાકલ કરી હતી. આ કોલ બાદ ઉશ્કેરાયેલા કોંગ્રેસ કાર્યકરોએ મતદાન મથકની બહાર હોબાળો મચાવ્યો હતો. લગભગ અડધા કલાકની અશાંતિ બાદ સુરક્ષા કર્મચારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી. આ અંગે SDO રણજીત કુમાર રંજને જણાવ્યું હતું કે પરિસ્થિતિનો ઉકેલ આવી ગયો છે અને કોઈ લાઠીચાર્જ થયો નથી.
11 વાગ્યા સુધીમાં બિહારમાં 31.38% મતદાન
- Advertisement -
બિહારમાં 11 વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવી ગયા છે. લેટેસ્ટ માહિતી અનુસાર 31.38% મતદાન અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યું છે.
મતદારો પર થઈ રહ્યો છે લાઠીચાર્જ : પપ્પુ યાદવ
આ ગરબડીઓ વચ્ચે, પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે આરોપોની આગમાં વધુ ઘી હોમ્યું છે. તેમનું કહેવું છે કે, “ઘણા બૂથો પર મતદારો પર લાઠીચાર્જ થઈ રહ્યો છે અને ઘણી જગ્યાએ મશીનો ખરાબ છે. લોકશાહીમાં આ ખોટું છે… સીમાંચલ અને કોસી જેની સાથે ઉભા રહે છે, તે જ સરકાર બનાવે છે.” પ્રશાસનનું કહેવું છે કે ટેકનિકલ ટીમોને તાત્કાલિક મોકલી દેવામાં આવી છે અને મતદાન પ્રક્રિયાને સામાન્ય બનાવવાનો પ્રયાસ ચાલુ છે.
સવારે 9 વાગ્યા સુધીમાં 14.55% મતદાન
બિહાર ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં વહેલી સવારે મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિહાર ચૂંટણીના બીજા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધીમાં 14.55% મતદાન થયું છે.

4 લાખથી વધુ કર્મચારી તહેનાત
બીજા તબક્કાના મતદાનમાં કુલ ચાર લાખથી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. કુલ 45399 મતદાન મથકો પર મતદાન થશે, તેમાથી 40073 મતદાન મથક ગ્રામીણ વિસ્તારમાં આવેલા છે. કુલ મતદાતાઓમાં અડધા ઉપરાંતના એટલે કે 2.28 કરોડ જેટલા મતદાતા 30 થી 60 વર્ષની વયના છે. જ્યારે ફક્ત 7.69 લાખ મતદાતા જ 18 થી 19 વર્ષના વયજૂથમાં છે.
મહિલા ઉમેદવાર કેટલી?
122 મતવિસ્તારોમાં મહિલા મતદારોની સંખ્યા 1.75 કરોડ છે. 3.67 લાખ મતદારો સાથે નવાડા જિલ્લાની હિસુઓ બેઠક સૌથી મોટો મતવિસ્તાર છે. જ્યારે લૌરિયા, ચંપતિયા, રાક્સોલ, ત્રિવેણીગંજ, સુગૌલી અને બન્મખીમાં સૌથી વધુ 22-22 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં 121 મતવિસ્તારોમાં 65 ટકા જેટલું ઊંચું મતદાન થયું છે.
બીજા તબક્કામાં મોટાભાગના જિલ્લા સીમાંચલના
મોટાભાગના જિલ્લા સીમાંચલમાં આવેલા છે અને અહીં મુસ્લિમોની વસ્તી મોટાપાયા પર હોવાથી ઇન્ડિયા બ્લોકના સારા પર્ફોર્મન્સની જવાબદારી તેના શિરે છે. જેડીયુના વરિષ્ઠ નેતા અને શાસક પક્ષના કેબિનેટ પ્રધાન બિજેન્દ્રપ્રસાદ યાદવ સળંગ રેકોર્ડ બ્રેક સળંગ આઠમી વખત તેમની સુપૌલની સીટ જાળવવા મેદાનમાં ઉતરશે.આ જ રીતે તેમના કેબિનેટના સહયોગી અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રેમકુમાર પણ આઠમી વખત તેમની સીટ જાળવવા મેદાનમાં ઉતરશે. અન્ય જાણીતા ચહેરોઓમાં જોઈએ તો ભાજપના મંત્રી બેટ્ટિયાના રેણુદેવી અને છતપુરના નીરજકુમાર જેવા જાણીતા ચહેરાની પણ બરોબરની કસોટી થશે. આ સિવાય જેડીયુના લેશીસિંહની ધમદાહા, શીલા મંડલની ફુલપારસ અને ચૈનપુરમાં ઝમાખાનના બળાબળના પારખા થશે.
કયા કયા દિગ્ગજ મેદાને?
ભાજપના જ અન્ય જાણીતા ચહેરાઓમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન તારકિશોર પ્રસાદ સળંગ પાંચમી ટર્મ માટે તેમની કટિહાર સીટ જાળવવા ચૂંટણીના જંગમાં ઉતરશે. કટિહાર જિલ્લો બલરામપુર અને કડવા વિધાનસભા બેઠકો પણ ધરાવે છે. અહીં સીપીઆઈ-એમએલના મહેબૂબ આલમ અને શકીલ એહમદ ખાન તેમની સીટ જાળવવા ત્રીજી વખત ઉતરશે.




