રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક 10 હજાર કરોડનું રાહત – સહાય પેકેજ જાહેર કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તાજેતરમાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના પરિણામે ખેડૂતોને વ્યાપક નુકશાની ભોગવવી પડી છે. ખેડૂતો પર આવેલી કુદરતી આફત બાદ તેમના હમદર્દ બની કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન રહેવી જોઈએ તે પ્રકારે મક્કમ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક 10 હજાર કરોડનું રાહત – સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેને ખેડૂતો તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનોએ આવકાર્યું છે.
રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ સમગ્ર સરકાર દ્વારા ખેડૂતોને ક્યાંય મુશ્કેલી ન પડે, તે ધ્યાને લઈ સૌથી મોટા રાહત – સહાય પેકેજને આવકારી આ સરકાર ખેડૂતલક્ષી હોવાનું ફરી એક વાર સાબિત કર્યું છે તેમ જણાવી સંઘ વતી આભાર માન્યો હતો. જયારે તરઘડીયા સહકારી મંડળીના પ્રમુખ અને રાજકોટ લોધીકા સંઘના ડિરેક્ટર લક્ષ્મણભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે, રાજકોટ લોધીકા તાલુકામાં ખેડૂતોને પડેલ મુશ્કેલી બાદ રાહત પેકેજના નિર્ણયથી ખેડૂતોએ આનંદની લાગણી વ્યક્ત કરી છે. ખેડૂતોને બિયારણ, દવા વગેરેના ખર્ચ અને નુકસાની સામે લડવા ટેકા રૂપી સહાયથી આ સરકાર ખેડૂતોની સાથે ઉભી છે



