રાહદારીઓ અને વાહનચાલકોને પડી ભારે હાલાકી, શહેરીજનો દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.10
- Advertisement -
હળવદ શહેરના મુખ્ય માર્ગો અને ફૂટપાથો પર છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા ફૂટપાથ અને જાહેર રસ્તાઓ પર ખુલ્લેઆમ દબાણો કરાયા છે, જેના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઉભી થવા ઉપરાંત રાહદારીઓ અને ગ્રાહકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ફૂટપાથ, જે સામાન્ય રીતે રાહદારીઓ માટે બનાવવામાં આવ્યા છે, ત્યાં વેપારીઓએ માલસામાન ગોઠવી દુકાનો ખોલી દીધી છે, કેટલીક જગ્યાએ તો સીડી અને ઓટલા ઉભા કરી બાંધકામ સુધી થઈ ગયા છે. આથી ફૂટપાથ પર ચાલવું તો દૂરની વાત રહી, રાહદારીઓને હવે રસ્તા પર ચાલવું પડે છે, જેનાથી અકસ્માતની શક્યતા પણ વધતી જોવા મળી છે.
શહેરના બસ સ્ટેન્ડ રોડ, સરા ચોકડી, શક્તિ ટોકીઝ, બ્રાહ્મણની ભોજનશાળા વિસ્તાર, પરશુરામ મંદિર પાસે અને સરા રોડ સહિતના વિસ્તારોમાં દબાણો એટલા વધી ગયા છે કે વાહનચાલકોને પસાર થવામાં ભારે તકલીફ પડે છે. અમુક સ્થળોએ તો ફૂટપાથ પર ઉભા રહેવા માટે ભાડું ઉઘરાવવાનો વેપલો પણ બેફામ ચાલી રહ્યો હોવાનું સામે આવ્યું છે. શહેરીજનોમાં ચર્ચા ચાલી રહી છે કે પાલિકા તંત્ર આ બધું જોઈને પણ આંખ આડા કાન કરી રહ્યું છે. લોકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા યોગ્ય દેખરેખ અને કાર્યવાહી કરવામાં આવતી નથી.
- Advertisement -
સ્થાનિક નાગરિકોએ પાલિકાને સ્પષ્ટ માંગ કરી છે કે ફૂટપાથ પરના ગેરકાયદેસર દબાણો તાત્કાલિક દૂર કરી રાહદારીઓને મુક્ત માર્ગ મળી રહે અને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં આવે, નહીં તો જન આક્રોશ ઉઠશે.



