ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢ જિલ્લાના ખડિયા ખાતે રહેતા એક સગર્ભા મહિલાને ડિલિવરીનો દુ:ખાવો ઉપડતાં 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મોતીબાગ લોકેશનના ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન કુલદીપસિંહ સિંધવ અને પાયલોટ પરોહિત જલુ તુરંત ખડિયા પહોંચી ગયા હતા.
- Advertisement -
સગર્ભા મહિલાને એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા, પરંતુ મહિલાને ડિલિવરીનો અસહ્ય દુ:ખાવો થવાથી 108 ટીમે તાત્કાલિક એમ્બ્યુલન્સ રસ્તામાં ઊભી રાખીને તેમાં જ ડિલિવરી કરાવવાનો નિર્ણય લીધો હતો. ડિલિવરી દરમિયાન જણાયું કે જોડિયા બાળકો છે અને એક બાળકના ગળામાં ગર્ભનાળ વીંટળાયેલી હતી. આવી કપરી પરિસ્થિતિમાં પણ 108 ટીમે તેમની સૂઝબૂઝ અને તાત્કાલિક સારવાર દ્વારા નોર્મલ ડિલિવરી કરાવી હતી અને બે દીકરીઓનો જન્મ થયો હતો. અમદાવાદ હેડ ઓફિસના ડો. ઠકર સાથે ફોન મારફત વાત કરીને જરૂૂરી સારવાર 108માં આપવામાં આવી હતી. ત્યારબાદ માતા અને બંને નવજાત બાળકીઓને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ માતા અને બાળકીઓની તબિયત સારી છે. 108ની સમયસર અને જરૂૂરી સારવારના કારણે માતા અને બંને બાળકોને નવું જીવન મળ્યું છે. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ જૂનાગઢ જિલ્લાના અધિકારી યુવરાજસિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર આકાશ દ્વારા 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓની સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી.



