છાત્રો અને કર્મચારીને લેપટોપ સહાયના બહાને પૈસા પડાવી ફોન બંધ કરી દીધો
સાયબર ક્રાઇમ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના સમાજ કલ્યાણ અધિકારી સાથે લેપટોપ સહાયના નામે 36 હજારની છેતરપીંડીનો બનાવ બનતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. કેન્દ્રના કૌશલ્ય સ્કીલ ડેવલેપમેન્ટ ડીપાર્મેન્ટમાં એજ્યુઅકેશન નોડલ ઓફીસર તરીકેની ઓળખ આપી અધિકારીને શીશામાં ઉતાર્યા હતાં.
- Advertisement -
મૂળ ઉનાના દુધાળા ગામના વતની અને હાલ રાજકોટના મોટા મવામાં પંડિત દીનદયાળનગરમાં રહી બહુમાળી ભવન ખાતે જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતી કલ્યાણ કચેરીમાં મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા નિખીલ સોમાભાઈ પરમાર ઉ.36એજયસુખ અરજણ સરવૈયા સહિતના શખ્સો સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇ તા. 10 ના તેમના ગામના વતની ડાયાભાઈ પરમારે ફોન કરી જણાવેલ કે, મારી દિકરી રાજકોટ કોલેજમાં બીસીએ કોમ્પ્યુટરનો અભ્યાસ કરે છે, તેના માટે સરકાર દ્વારા કોઈ લેપટોપ સહાય હોય તો જણાવજો જેથી તેને જણાવેલ કે, હાલમા સરકાર દ્વારા મફતમા લેપટોપ આપવામાં આવતું હોય તેવી કોઈ સરકારની યોજના નથી પરંતુ મારા ખ્યાલ મુજબ સરકારમાં અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન નિગમમાં લેપટોપ સહાય યોજના અમલમાં છે ત્યાર બાદ ડાયાભાઈએ જણાવેલ કે, મારી દિકરી રાજકોટમા જ્યા રહે છે, ત્યા એમની સાથે રહેતી તેમની બહેનપણીને સેન્ટ્રલ ગવર્મેન્ટ 2 હજારમાં લેપટોપ આપવામાં આવે છે તેની અરજી કરેલ છે અને લેપટોપ મળ્યે આ અરજી સમયે ભરેલ 2 હજાર રિફંડ તમારા ખાતામાં આવી જાય છે તેવી હક્કીત જણાવેલ હતી. જેથી આવી કોઈ યોજના મારા ખ્યાલમાં આવી નથી તેમ કહેતા ડાયાભાઇએ જણાવેલ કે, એક સાહેબ આપણા તાલુકાના છે, જે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં નોકરી કરે છે, જે આ યોજનાનો લાભ અપાવે છે, તેમનુ નામ જયસુખ સરવૈયા છે જે બાદ જયસુખ સાથે વાત કરતા તેણે તેમનુ નામ સરવૈયા જયસુખ અરજણ જણાવેલ અને તેઓ હાલ કૌશલ્ય સ્કીલ ડેવલેપમેન્ટ ડીપાર્મેન્ટમાં એજ્યુઅકેશન નોડલ ઓફીસર તરીકે નોકરી કરે છે તેમ જણાવ્યું હતું આપણા સમાજ તથા પછાત વર્ગના ગરીબ બાળકોને આ યોજનાનો લાભ અપાવુ છું કહીં ફોન રાખી દીધો હતો.
બાદ તા. 11 ના રોજ સવારે અજાણ્યાં નંબર પરથી કોલ અને મેસેજ કરી જણાવેલ કે હુ એજ્યુકેશન નોડલ ઓફીસર જયસુખ બોલુ છું, કહી લેપટોપ યોજનાની વાત કરી ચાર વિદ્યાર્થીઓ ઘટે છે, આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, તો મને આપણા સમાજના ચાર વિદ્યાર્થીઓ શોધી અને તેમના ડોક્યુમેન્ટ મોકલી આપો તેમ કહેતા ફરીયાદીએ સમાજના ચાર વિદ્યાર્થીઓ વતી આ જયસુખ દ્વારા મોકલવામા આવેલ ક્યુ આર કોડ ઉપર શરૂઆતમા મારા ખાતામાંથી 8 હજાર નાંખેલ અને તેમના ડોક્યુમેન્ટ મોકલી આપેલ હતા. બાદ ફરીવાર આ જયસુખએ જણાવેલ કે, જો વિદ્યાર્થી દિઠ 4 હજાર વધુ ભરો તો કંપનીનુ સારૂ હાર્ડ ડીસ્ક વાળુ લેપટોપ મળશે. જેથી ફરીયાદીએ આરોપીને 8 હજાર ટ્રાન્સફર કર્યા હતાં. બાદ આરોપી જયસુખે જણાવેલ કે, દરેક સરકારી કર્મચારીને કેન્દ્ર સરકાર તરફથી લેપટોપ મળે છે જેમા મોટાભાગના સરકારી કર્મચારીઓને ખબર જ નથી હોતી, જેમાં 15 હજાર અને ડોક્યુમેન્ટ આપવાના હોય છે અને તેમા 12,500 રિફંડ મળી જાય છે જેથી ફરીયાદીએ પોતાનું સરકારી આઇકાર્ડ અને આધારકાર્ડ મોકલેલ જેમા તેમણે ચેક કરીને જણાવેલ કે, તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે, જેથી જયસુખને 15 હજાર ભરી આપેલ બાદ ફરી કોલ આવેલ અને જણાવેલ કે મારી ભુલ થઈ છે કે 15 હજારની જગ્યાએ 20 હજાર ભરવાના થાય છે, જેથી ફરીથી 5 હજાર ટ્રાન્સફર કર્યા હતાં બે દિવસ બાદ જયસુખને કોલ કરેલ તો કોલ ઉપાડેલ નહી જેથી શંકા જતા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર અરજી કર્યા બાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પીઆઈ એસ.ડી.ગિલવા અને ટીમે તપાસ હાથ ધરી છે.



