રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટી યોજાઈ: રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યાં
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલીમાં સમગ્ર ભારતમાં અખંડ અને આધુનિક ભારતના શિલ્પી લોહપુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અમરેલી શહેરના સરદાર સર્કલ (સેન્ટર પોઈન્ટ) થી રન ફોર યુનિટીને રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. અને રન ફોર યુનિટીમાં જોડાયા હતાં. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલી સ્થિત સરદાર સર્કલ થી પપૂ.હરિરામબાપા ચોક, નાગનાથ મંદિર, રાજકમલ ચોક સહિતના વિસ્તારોમાં ‘રન ફોર યુનિટી’ યોજાઈ હતી. જેમાં ડી.એલ.એસ.એસના બાળકો, વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો સહિત નાગરિકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો-અધિકારીશ્રીઓ સહિત સૌ નાગરિકોએ રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લીધા હતા.
- Advertisement -
આ સાથે અમરેલી સ્થિત નગરપાલિકા હસ્તગતના સરદાર સર્કલનું નવીનીકરણનું કાર્ય બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર સંસ્થા,અમરેલી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. અને શહેરના અનેક દાનવીરોએ પોતાનુ યોગદાન આપ્યું છે. નવા રંગ-રૂપ સાથે નવીનીકરણ થયેલ સરદાર સર્કલનું રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવોએ વિધિવત રીતે લોકાર્પણ કર્યું હતું. આ સર્કલ અમરેલી શહેરની નવી ઓળખ પ્રસ્થાપિત કરે છે. વર્ષ 1947માં ભારત દેશ અંગ્રેજ શાસનથી મુક્ત થયો અને આઝાદ થયો હતો. સ્વતંત્રતા સંગ્રામની મહાન લડાઈમાં પૂ. ગાંધીજી ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અનેક નામી-અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ, વીરો,વીરાંગનાઓએ પોતાના બલિદાનો આપ્યા છે. ઉપરાંત લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે પોતાનું અનન્ય યોગદાન આપીને સમગ્ર ભારતને એક તાંતણે બાંધી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા તેમજ પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



