રાજકોટ જિલ્લાના 700 સહિત રાજ્યભરના 17 હજાર રેશનિંગ દુકાનદારો પડતર માગને લઇ મેદાને
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લાના 3 લાખ સહિત રાજ્યના 75 લાખ રેશનકાર્ડ ધારકો અને આશરે 3.25 કરોડ નાગરિકોને નવેમ્બર માસમાં અનાજ વગેરેની ફાળવણી કરાયાની સરકારે આજે જાહેરાત કરી છે પરંતુ, રાશનના દુકાનદારોની લાંબા સમયની રજૂઆતો નહીં સંતોષાતા આજથી આ કાર્ડધારકોને રાશનનું વિતરણ નહીં કરવામાં આવે અને દુકાન જ નહીં ખોલાય તેમ જાહેર કરાયું છે. વ્યાજબી ભાવના રાજકોટ જિલ્લાના 700 સહિત રાજ્યના 17 હજાર દુકાનદારોની હડતાળ ચાલુ જ રહી છે અને આજે ઘંઉં, ચોખા, – ખાંડ, દાળ સહિતનું વિતરણ બંધ રહેશે તેમ રાજકોટના અનાજ વેપારી એસોસિએશનના પ્રમુખ માવજીભાઇ રાખસીયાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આજે સવારે ગાંધીનગરમાં પૂરવઠા સચિવે મીટીંગ માટે બોલાવ્યા છે તેમાં ચર્ચા બાદ આગળનો કાર્યક્રમ નક્કી થશે.
સરકારી તંત્રએ આજે રાશનના દુકાનદારોને મહિને રૂ.20 હજારનું વળતર આપવાનું જણાવ્યું હતું જે અંગે દુકાનદારોએ જણાવ્યું કે આ રકમ ખૂબ ઓછી છે અને વળી તેમાં 97 ટકા વિતરણની શરત છે. આ ઉપરાંત 80 ટકા બાયોમેટ્રિક, લઘુતમ વેતન, જથ્થાની ઘટ, સર્વરના ધાંધિયા સહિત વિવિધ 20 મુદ્દાને લઈ વારંવાર રજૂઆત કરવા છતાં પણ પૂરવઠા તંત્ર દ્વારા દાદ અપાઈ નથી તે કારણે નાછૂટકે આંદોલનનો માર્ગ લેવો પડ્યો છે.



