પિતા-પુત્રીનું વારસાગત જમીનમાં નામ છુપાવી સગા દાદા અને કાકાએ આચરેલું કૌભાંડ
વારસાઈ આંબામાં પંચ રહેનાર પણ આરોપી : આટકોટ પોલીસમાં પાંચ સામે ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લાના જસદણના સાણથલી ગામમાં ખોટા વારસાઈ આંબાના આધારે પિતા-પુત્રીનું નામ છુપાવી 36 વિઘા જમીન પચાવી પાડનાર સગા દાદા, કાકા અને વારસાઈ આંબામાં પંચ રહેનાર બે સહિત પાંચ સામે આટકોટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૂળ કુંકાવાવના વતની અને હાલ વર્ષોથી સુરતના પાસોદરા વિસ્તારમાં રહેતાં ભાવનાબેન બાલુભાઈ ગઢીયા ઉ.48એ જસદણના સાણથલી ગામના શામજી રામ કચ્છી, જેન્તી શામજી કચ્છી, મગન શામજી કચ્છી, રમેશ લવા પાનસુરીયા, રૂપા ખીમા ઝાપડા સામે આટકોટ પોલીસમાં છેતરપીંડી સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેણીને સંતાનમા એક દિકરો તથા એક દિકરી છે. તેમના પિતાને ત્રણ ભાઈઓ તથા ત્રણ બહેનો છે જેમા તેણીના પિતા સૌથી મોટા છે. કાકા મગનભાઈ અને સોથી નાના કાકા જેન્તીભાઈ છે જેઓ સાણથલી ગામે રહે છે ફરીયાદી ત્રણ ભાઈ બહેન છે. જેમા તે સૌથી મોટી છે નાના ભાઈ ઘનશ્યામભાઈ અને સૌથી નાની બહેન શિલ્પાબેન છે જેઓ બંને નાની ઉંમરે મૃત્યુ પામ્યા છે તેમના પિતા ઘણા વર્ષો પહેલા ઘર છોડી જતા રહેલ છે માતા જયાબેને હાલ બીજા લગ્ન કરી લીધા હતા અને તેઓ ગઢડાના લીંબડીયા ગામે રહે છે એકાદ વર્ષ પહેલા જાણવા મળેલ કે, તેણીના દાદા શામજીભાઈ રામભાઈ કચ્છીની સાણથલી ગામે રેવન્યુ સર્વે નં-219 ની હે.આરે.ચોમી-5-04-86 તથા સર્વે નં-220 ની હે.આરે.ચો.મી- 0-05-06 તથા સર્વે નં-221 ની હે.આરે.ચો.મી-01-27-47 ની વડીલો પાર્જીત જમીન આવેલ છે. તે બન્ને કાકાના નામે થઈ ગયેલ છે તેણીના પિતાની કે તેણીની વારસાઈ નોંધ કરવામા આવેલ નથી જેથી આ બાબતે તપાસ કરતા જણાય આવેલ કે, ગઈ તા.06/05/2017 ના જસદણ ખાતે સ્ટેમ્પ વેન્ડર મેહુલ અંબાણી પાસેથી 100 રૂપિયાનો સ્ટેમ્પ કાકા જેન્તીભાઈએ દાદા શામજીભાઈ રામભાઈ કચ્છીના નામનો ખરીદેલ અને તેમા દાદાએ નોટરી રુબરુ વારસાઈ અંગેનુ સોગંદનામું કરેલ અને વારસદારો તરીકે તેમા જીવતીબેન શામજીભાઈ કચ્છી, મગનભાઈ શામજીભાઈ કચ્છી, જેન્તીભાઈ શામજીભાઈ કચ્છી, મુક્તાબેન શામજીભાઈ કચ્છી, હંસાબેન શામજીભાઈ કચ્છી અને રસીલાબેન શામજીભાઈ કચ્છીના નામ વારસદારો તરીકે જણાવેલ હતાં. તેણીના પિતા તથા તેઓ કાયદેસરના વારસદાર હોવા છતા તેઓના નામો છુપાવીને ખોટું સોગંદનામું કરી દાદાએ અંગુઠાનું નિશાન કરેલ તે નિશાન કાકા મગનભાઈએ ઓળખી બતાવી પોતાની સહી કરેલ હતી આ સોગંદનામું સાણથલી ગામના તલાટી કમ મંત્રી સમક્ષ રજુ કરી સોગંદનામા આધારે ગઈ તા.12/05/2017 ના રોજ તલાટીક્રમ મંત્રી પાસે ખોટો વારસાઈ આંબો પંચો રમેશ પાનસુરીયા તથા રૂપા ઝાપડાની રૂબરૂમાં કરેલ અને પંચો સાચી હકિકત જાણતા હોવા છતા બન્ને પંચોએ પોતાની સહિઓ કરેલ હતી. તે જમીનમા જસદણ મામલતદાર કચેરી ખાતે ગઈ તા.13/05/2017 ના રોજ હૈયાતીમા વારસાઈ હક્ક દાખલ કરવા બાબતે દાદાએ અરજી કરેલ અને વારસદારો તરીકેના નામ દાખલ કરાવી દીધેલ છે આ જમીન કૌભાંડ અંગેની ફરીયાદ પરથી આટકોટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



