રાજ્ય સરકાર આર્થિક નુકસાનીનો સર્વે કરીને વળતર આપે તે માટે રાજ્ય અને કેન્દ્રના કેબિનેટ મંત્રીને થઈ રજુઆત
ભાજપના આગેવાનોના પ્રતિનિધિ મંડળે બરડા પંથકના ગામડાંઓની લીધી મુલાકાત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
ગુજરાતભરમાં પડેલા કમોસમી વરસાદની સાથોસાથ પોરબંદર જિલ્લામાં પણ દિવાળી બાદ વરસાદ વરસ્યો છે,જેના કારણે અનેક ખેતરોમાં મગફળીના તૈયાર પાકને મોટું નુકસાન થયું છે તથા પશુઓ માટેના મગોટાને પણ નુકસાન થયું હોવાથી ભાજપના આગેવાનોના પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી અને કેન્દ્ર અને રાજ્યના કેબિનેટ મંત્રીને રજુઆત કરીને સરકાર આર્થિક નુકસાનીનું વળતર ચુકવે તેવી માંગ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા કમોસમી વરસાદે ખેડુતોના સપના ધોઈ નાખ્યા છે.
એક બાજુ ચોમાસાની સીઝન સમાપ્ત થઈ ચુકી છે, ખેતરોમાં પાક તૈયાર હતો, અને ખેડૂતો પોતાના ખેતરમાંથી મગફળી કાઢવાની તૈયારીમાં હતા, ત્યારે અચાનક ત્રાટકેલા કમોસમી વરસાદથી આખુ દ્રશ્ય બદલાઈ ગયુ.ખેડુતોની મહેનત, પસીનો અને આશા બધું જ પાણીમાં વહી ગયું છે.આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને પોરબંદર જિલ્લાના ભાજપના અગ્રણીઓએ બરડા પંથકના ગામડાઓની મુલાકાત લીધી હતી.
તેમણે ખેતરોમાં જઈને નુકસાનીનુ નિરીક્ષણ કર્યું અને ખેડૂતોની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કર્યો.આ દરમિયાન ખેડૂતોના ચહેરા પરની નિરાશા અને હતાશા સ્પષ્ટ દેખાતી હતી.
- Advertisement -
બરડા વિસ્તારના મોટાભાગના ખેડૂતોએ મગફળીની ખેતી કરી હતી.અનેક ગામડાઓના ખેતરોમાં પાક તૈયાર હતો માત્ર “માંડવી કાઢવાની” પ્રક્રિયા બાકી હતી. એ જ સમયે પડેલા કમોસમી વરસાદે પાકને નુકસાની પહોચાડી છે,ખેડૂતોના મગફળીના દોડવા જમીનમાં જ સડી ગયા છે.જ્યાં પાક સૂકવવો હતો ત્યાં વરસાદના કારણે કાદવ થઈ ગયો છે.ખેતરમાંથી મગફળી કાઢવી મુશ્કેલ થઈ ગઈ છે. મગફળીની ગુણવત્તા પણ બગડી ગઈ છે જેથી બજારમાં યોગ્ય ભાવ મળવો મુશ્કેલ છે.ફક્ત મગફળીનો પાક જ નહી, પણ પશુઓ માટે રાખવામાં આવતો ચારો પણ વરસાદના કારણે સડી ગયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવીયાને ખાસ રજુઆત કરવામાં આવી છે. પોરબંદર જિલ્લાના ભાજપના અગ્રણીઓએ બંને નેતાઓને અહેવાલ આપીને વિનંતી કરી છે કે,ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે,ખેતીવાડી વિભાગના અધિકારીઓને સર્વે કરવા મોકલવામાં આવે તેમ જણાવ્યું હતુ.બરડા પંથકના ખેડૂત પરિવારોએ મહેનત કરીને મગફળીની પાકમાં પોતાના સપના વણ્યા હતા.
ચોમાસાના અંતે પાક તૈયાર હતો, મગફળીને બજારમાં વેચવાનો સમય આવ્યો હતો,ત્યારે કુદરતે આપેલો આ આઘાત ખરેખર સહનશક્તિની પરીક્ષા સમાન છે.મગફળીનો ભાવ હવે બજારમાં મળે પણ નહી, કારણ કે દોડવાઓ કાળા પડી જશે, ગુણવત્તા ઘટી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓએ જે રીતે તાત્કાલિક મુલાકાત લઈને વાસ્તવિક સ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો છે.
આ મુલાકાત દરમિયાન ભાજપના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા, પોરબંદર જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઇ ઓડેદરા, પોરબંદર તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરા, પોરબંદર તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ સામતભાઈ ઓડેદરા, ખાંભોદરના સરપંચ ઓઘડભાઈ ગોઢાણીયા,પોરબંદર તાલુકા ભાજપ પ્રમુખ રાણાભાઇ મોઢવાડિયા, વડાળાના સરપંચ દુદાભાઈ મોઢવાડિયા સહિત ભારતીય જનતા પાર્ટીના વિશાળ સંખ્યામાં કાર્યકરો અને આગેવાનોએ ખાંભોદર અને કિંદરખેડા ગામની મુલાકાત લીધી હતી.
કિંદરખેડા ગામના સરપંચ પરબતભાઈ મોઢવાડિયા, ખાંભોદરના આગેવાન નાથાભાઈ ગોઢાણીયા, મોઢવાડાના સરપંચ વિજયભાઈ મોઢવાડિયા અને આગેવાનો, તાલુકા પંચાયતના સભ્યો કરશનભાઈ મોઢવાડિયા સહિત ખેડુતો પણ ઉપસ્થિત રહ્યા હતા.



 
                                 
                              
        

 
         
         
        