પડતર માંગણીઓના ઉકેલ ન મળતાં FPS એસોસીએશનનો અસહકાર આંદોલનનો નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.29
મોરબી જિલ્લામાં વ્યાજબી ભાવના દુકાનદારો ( FPS ડીલરો) દ્વારા પડતર માંગણીઓનો ઉકેલ ન મળતા 1 નવેમ્બર 2025થી વિતરણ પ્રક્રિયાથી અળગા રહેવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે મોરબી જીલ્લા FPS એસોસીએશન દ્વારા જીલ્લા પુરવઠા અધિકારીને આવેદન પત્ર પાઠવી જાણ કરવામાં આવી હતી. એસોસીએશન દ્વારા જણાવાયું છે કે કમીશન દરમાં વધારો, ઈ-પ્રોફાઈલની તકેદારી, સહાયકની નિમણૂક, સિંગલ ફિંગરપ્રિન્ટથી બે બિલની વ્યવસ્થા, સમિતિના સભ્યોના 80 ટકા બાયોમેટ્રિક વેરીફીકેશનનો પરિપત્ર રદ કરવો, સમયસર કમિશનની ચુકવણી તેમજ ટેકનીકલ અને વહીવટી પ્રશ્નોના ઉકેલ જેવી મહત્વપૂર્ણ માંગણીઓ વર્ષોથી પ્રલંબિત છે.
- Advertisement -
ગુજરાત સરકારના પુરવઠા મંત્રી તથા અધિકારીઓને વારંવાર રજૂઆત છતાં હજી સુધી સંતોષકારક પ્રત્યુતર મળ્યું નથી. તેથી ઓલ ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એસોસીએશન અને ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસીએશન દ્વારા સંયુક્ત રીતે નક્કી કરવામાં આવ્યું છે કે જો તાત્કાલિક ઉકેલ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અસહકાર આંદોલન શરૂ કરવામાં આવશે.
આ નિર્ણયના ભાગરૂપે નવેમ્બર માસના જથ્થાના ચલણ ભરવામાં નહીં આવે અને 1 નવેમ્બરથી વિતરણ બંધ રાખવામાં આવશે, એવી સ્પષ્ટ ચેતવણી એસોસીએશન દ્વારા આપવામાં આવી છે.



