આપત્તિ અને કટોકટી વ્યવસ્થાપન એજન્સી, AFAD અનુસાર, 6.1 તીવ્રતાનો ભૂકંપ બાલિકસિર પ્રાંતના સિંદીર્ગી શહેરમાં કેન્દ્રિત હતો.
પશ્ચિમી તૂર્કિયેમાં સોમવારે 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે ઓછામાં ઓછી ત્રણ ઇમારતો ધરાશાયી થઈ ગઈ હોવાની માહિતી અધિકારીઓએ આપી હતી. અધિકારીઓએ એ પણ સ્પષ્ટ કર્યું કે પડી ગયેલી આ ઇમારતો અગાઉના ભૂકંપને લીધે પહેલેથી જ ક્ષતિગ્રસ્ત હતી. તેમજ આ ઘટનામાં તાત્કાલિક કોઈ જાનહાનિના સમાચાર નથી.
- Advertisement -
સિંદિરગીમાં ભૂકંપનું કેન્દ્ર
AFAD (આપત્તિ અને કટોકટી વ્યવસ્થાપન એજન્સી) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ 6.1 તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર બાલિકેસિર પ્રાંતના સિંદિરગી શહેરમાં જમીનથી 5.99 કિલોમીટરની ઊંડાઈએ હતું, જે સ્થાનિક સમય અનુસાર રાત્રે 10 વાગ્યેને 48 મિનિટે આવ્યો હતો. આ ભૂકંપના મુખ્ય આંચકા પછી અનેક આંચકા (આફ્ટરશોક્સ) પણ આવ્યા હતા, જે માત્ર ઇસ્તંબુલ જ નહીં, પરંતુ તેની આસપાસના બુર્સા, મનીસા અને ઇઝમિર જેવા પ્રાંતોમાં પણ અનુભવાયા હતા.
ગૃહ મંત્રી અલી યેરલિકાયાએ માહિતી આપી હતી કે સિંદિરગીમાં ઓછામાં ઓછી ત્રણ ખાલી ઇમારતો અને બે માળની એક દુકાન ધરાશાયી થઈ છે. તેમણે જણાવ્યું કે આ ઇમારતો પણ અગાઉ આવેલા ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થઈ ચૂકી હતી. સરકારી અનાદોલુ એજન્સીને સિંદિરગીના જિલ્લા પ્રશાસક ડોગુકોન કોયુનકુએ જણાવ્યું કે, ‘હાલમાં કોઈના મૃત્યુની જાણકારી મળી નથી, પરંતુ અમારું આકલન કાર્ય હજી પણ ચાલુ છે.’
- Advertisement -
ભૂતકાળના ભૂકંપ
સિંદિરગીમાં ઓગસ્ટ મહિનામાં પણ 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના પરિણામે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. ત્યારથી, બાલિકેસિરની આસપાસના વિસ્તારમાં ઓછી તીવ્રતાવાળા આંચકા નિયમિતપણે આવતા રહ્યા છે.




