દિવાળી:ગરીબ બાળકોનાં જીવનમાં ઉજાસ પાથરવો એ જ સાચી
રાજકોટનાં યુવાન કર્મ ભટ્ટએ ચિંધ્યો નવો રાહ સગા-સંબંધી, મિત્રોનાં નામે ગરીબ બાળકોને દિવાળી સેલિબ્રેશનની કીટ આપી!
- Advertisement -
દિવાળી એ આનંદ અને ઉજાશનો પર્વ છે. સૌ કોઈ આ પર્વની ધામધૂમપર્વક ઉજવણી કરતા હોય છે. આ તહેવારમાં નવા કપડાં પહેરવા, અવનવા મિષ્ટાન-ફરસાણ જમવા અને ફટાકડાં ફોડવાની ઈચ્છા કોને ન થાય? દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે સૌ પોતપોતાની શક્તિ-સંપત્તિ અનુસાર સુખમય ઉજવણી કરતા હોય છે. જોકે ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ બાળકો માટે આ રોશનીનો પર્વ એક સ્વપ્ન સમાન હોય છે. ગરીબ બાળકોના નસીબમાં નવા કપડાં, મિષ્ટાન, ફરસાણ કે ફટાકડાં ક્યાથી હોય? મોટાભાગે આપણે આપણી મૌજ-મજામાં માટે બીજાની મજબૂરી-મુશ્કેલી ભૂલી જતા હોઈએ છે.
ભેટ-સોગાદ, મીઠાઈ-ડ્રાયફ્રુટ્સ મોકલવું ખરાબ નથી, પણ કર્મ ભટ્ટએ કર્યું એ બહેતર અને સાવ અનોખું છે…
- Advertisement -
દરેક ઘરમાં મીઠાઈ-ડ્રાયફ્રુટ્સ વધી પડતાં હોય છે, આ સ્તુત્ય પગલાં અંતર્ગત પોણા બસ્સો એવા પરિવારને કીટ પહોંચી-જેમને ખરેખર જરૂરિયાત છે અને તેનું મૂલ્ય પણ છે!
ગરીબ બાળકોની દિવાળી ઉજવણીનું કોણ વિચારે અને તેમના માટે શું થઈ શકે? આવો વિચાર-સવાલ રાજકોટના એક એકવીસ વર્ષીય યુવાનને આવ્યો અને તેણે ગરીબ બાળકોની દિવાળી ઉજવવાના સપનાને સાકાર કરી તેમના જીવનમાં દિવાળીનો પ્રકાશ પાથરી દીધો.
આપણે ત્યાં દિવાળી અને નૂતન વર્ષ પર સ્વજનોને ભેટ સૌગાદ આપવાની પરંપરા છે. માર્કેટમાં પચાસ રૂપિયાથી લઈ પચાસ હજાર કે પાંચ લાખ રૂપિયાના સેલિબ્રેશન ગિફ્ટ હેમ્પર મળતા હોય છે. આપણે સૌ આ ગિફ્ટ હેમ્પર આપણા સ્વજનોને આપતા હોય છે. જો દિવાળી કે બેસતા વર્ષે મિત્રો કે સગા-સંબંધીઓને મીઠાઈ કે ફરસાણ આપવાની જગ્યાએ તેમના જ નામથી કોઈ ગરીબ બાળકને મીઠાઈ કે ફરસાણ આપવામાં આવે તો આ તહેવાર તમામ વર્ગના લોકો માટે યાદગાર બની જાય. આવો જ પ્રેરણાદાયી કિસ્સો કર્મ ભટ્ટે જોયો અને તેને અમલમાં મૂકી કેટલાયની દિવાળી – નવ વર્ષના તહેવાર યાદગાર બનાવી દીધા. રાજકોટમાં રહેતા અને બી.ટેક.નો અભ્યાસ કરતા કર્મ ભટ્ટ નામના યુવકે 170થી વધુ ગરીબ બાળકો અને તેમના પરિવારની દિવાળીને રંગમય – રોશનીમય બનાવી છે.
આ અંગે કર્મ ભટ્ટે ‘ખાસ-ખબર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો સૌથી મહત્વનો તહેવાર છે, દિવાળી. આ પર્વ સાથે જ ગુજરાતીઓનું નવું વર્ષ પણ આવે છે. દીપાવલી અને ન્યૂયરની ઉજવણી ત્યારે જ સાર્થક ગણાય જ્યારે આપણા સહિત સૌ કોઈ તેને ઉજવે. આ દિવસોમાં આપણે એકબીજાને મળી મુખવાસથી લઈ ચોકલેટ, મીઠાઈ, ડ્રાયફ્રુટ, ફરસાણ ખવડાવી કે કોલ્ડડ્રીંક પીવડાવી છીએ. સામાન્ય રીતે આ ઉજવણી એકબીજાને ભેટ સૌગાદ આપીને પણ થતી હોય છે. ગત દિવાળીએ મારા પપ્પાના મિત્ર આનંદ દત્તાણીએ મિત્રો-સગાવ્હાલાઓને આપવાની ભેટ સૌગાદ તેમના નામથી જ ગરીબ બાળકોમાં વહેંચી હતી. મતલબ કે, આનંદ દત્તાણીએ અમને આપવાની ભેટ અમારા નામથી ગરીબ બાળકને આપી હતી. આનંદ દત્તાણીના આ અનોખા સેવાકાર્યમાંથી પ્રેરણા લઈ આ દિવાળી પર અમે પણ અમારા એકસો સિત્તરેથી વધુ મિત્રો-સગાવ્હાલાઓને તેમની ભેટ સૌગાદ તેમને આપવાની જગ્યાએ તેમના જ નામથી ગરીબ બાળકોને આપી છે. દા. ત. ખાસ-ખબર પરિવારની દિવાળી ભેટ અમે ગરીબ બાળકોમાં ખાસ-ખબર પરિવારના નામથી વહેંચી તેનો વીડિયો બનાવ્યો હતો અને પછી એ વીડિયો અમે ખાસ-ખબર પરિવારને મોકલ્યો હતો.
કર્મ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, તેઓના પિતા તેમના માટે આઈડલ પર્સનાલિટી છે. તેમના પિતાના મતે મનની શુદ્ધિ જ્ઞાનથી થાય છે, તનની શુદ્ધિ સ્નાનથી થાય છે અને ધનની શુદ્ધિ દાનથી થાય છે. દિવાળીએ દાનનું મહત્વ ઘણું રહેલું છે. આ દિવાળીએ આપણે તો દાન કરીએ સાથે બીજાઓના નામથી પણ દાન થાય તેવા શુભ હેતુસર સગાસ્નેહીઓને આપવાની મીઠાઈ, ચોકલેટ, ફરસાણ, કોલ્ડડ્રીંક તેઓના જ નામથી ગરીબ બાળકોમાં વહેંચવામાં આવ્યા છે. એક બાળકને આપવામાં આવેલા ગિફ્ટ હેમ્પરમાં તે બાળક અને તેનો આખો પરિવાર ખાઈ-પી શકે તેટલા પ્રમાણમાં મીઠાઈ, ચોકલેટ, કુકીઝ, ફરસાણ અને કોલ્ડડ્રીંક આપવામાં આવેલા છે.
કર્મ ભટ્ટ અને તેમનો પરિવાર ઘણા વર્ષોથી સેવાકાર્ય સાથે જોડાયેલો છે ત્યારે આ વર્ષે તેઓ દ્વારા દિવાળી – નૂતન વર્ષ નિમિત્તે અનોખું અને ખાસ તો એક પ્રેરણાદાયી સેવા કાર્ય કરવામાં આવ્યું છે જેમનાથી ગરીબ બાળકો સહિત તેમના પરિવારની દિવાળી ઉજાશમય, ઉમંગમય, ઉત્સાહમય બની છે. આપણે પણ આ દિવાળી – નૂતન વર્ષ પર કર્મ ભટ્ટની જેમ કોઈ સગા-શુભેચ્છકને આપવાની થતી ભેટ સૌગાદ તેમના જ નામથી ગરીબ બાળકને આપીએ તો ખરા અર્થમાં કોઈના જીવનમાં દિવાળીનો પ્રકાશ પાથરીશું.
ગરીબ બાળકોના જીવનમાં દિવાળીનો પ્રકાશ પાથરવાનું પ્રેરણાદાયી કાર્ય
મિત્રો કે સગા-સંબંધીઓને મીઠાઈ કે ફરસાણ આપવાની જગ્યાએ તેમના જ નામથી કોઈ ગરીબ બાળકને મીઠાઈ કે ફરસાણ આપવામાં આવે તો આ તહેવાર તમામ વર્ગના લોકો માટે યાદગાર બની જાય